લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણી મુદ્દે હોબાળો, ગૌરક્ષકો-સંચાલકો આમને-સામને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના લાલબાગ બ્રિજ નજીક આવેલા પાંજરાપોળમાં પશુઓની જાળવણીને લઈને વિવાદ સર્જાયો છે. બુધવારે મોડી રાત્રે ગૌરક્ષકો પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા અને પશુઓની સ્થિતિની તપાસ કરી સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી. પશુઓની યોગ્ય સંભાળ રાખવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો હતો.
ગૌરક્ષકોના જણાવ્યા મુજબ પાંજરાપોળમાં પશુઓની નિયમિત જાળવણી થતી નથી, જેના કારણે ત્રણ ગાયોના મોત થયા છે. ઉપરાંત 12 જેટલી ગાયોની હાલત ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. માત્ર દેખાડા પૂરતી સારવાર કરવામાં આવતી હોવાનો આરોપ લગાવતા ગૌરક્ષકોએ કહ્યું કે સંચાલકોને ભ્રષ્ટાચાર કરવામાં વધુ રસ છે, જ્યારે મૂંગા પશુઓની સેવા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે.
જોકે પાંજરાપોળના સંચાલકોએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. સંચાલકોના જણાવ્યા અનુસાર પશુઓને સમયસર પશુચિકિત્સા, ઘાસચારો અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 400 પશુઓની ક્ષમતા ધરાવતા પાંજરાપોળમાં હાલમાં આશરે 300 પશુઓ છે અને માત્ર 6 ગાયોની સારવાર ચાલી રહી છે. ગૌરક્ષકો પશુપ્રેમની લાગણીથી આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા હોવાનું પણ સંચાલકોએ જણાવ્યું હતું.









