રેલવે સ્ટેશન પર બે મહિલા નશા માટે ઉપયોગમાં લેવાતા પોશડોડાની હેરાફેરી ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યપ્રદેશથી વડોદરામાં નશાકારક પોશડોડા લઇને આવેલી બે મહિલાઓ વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાઇ ગઇ હતી. રેલવે સ્ટેશનની બહાર વડોદરાનો શખ્સ પોશડોડાની ડિલિવરી લઇ જાય તે પહેલાં જ બંને મહિલાઓ પાસેથી જથ્થો કબજે કરાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશન પર અમૃતસર-મુંબઇ ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેન આવીને ઊભી રહેતા રેલવે પોલીસના એસઓજી સ્ટાફ દ્વારા શંકાસ્પદ મુસાફરો પર નજર રાખવામાં આવી હતી. દરમિયાન એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જવા માટેના ફૂટ ઓવરબ્રિજ પર પ્લેટફોર્મ નંબર-૧ તરફથી બે મહિલાઓ કોથળા અને કાપડની થેલી તેમજ બેગપેક સાથે ઉતાવળથી શંકાસ્પદ ચાલતી જણાતા બંને મહિલાઓને રોકી હતી.
બંને મહિલાઓ ગભરાઇ ગઇ હતી અને પોતાની પાસે પોશડોડા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસે બંને મહિલાઓના નામ પૂછતા અનિતા દિપસંગ લાલુ ભાભોર અને રવિના સમસુ ભુરીયા (બંને રહે.જાપાદરા, તા.મેઘનગર, જિલ્લો જાંબુઆ, મદ્યપ્રદેશ) જણાવ્યું હતું. બંને પાસેના થેલામાંથી રૃા.૧.૪૯ લાખ કિંમતના ૯.૯૮૦ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળ્યો હતો. પોલીસે પોશડોડા સહિત કુલ રૃા.૧.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વડોદરાના યોગેશકાકા નામની વ્યક્તિએ પોશડોડાનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો જાંબુઆ રેલવે સ્ટેશન પાસે એક શખ્સ આપી ગયો હતો.









