ત્રણ વર્ષની રજૂઆતોનો આવ્યો અંત: ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિ સ્થળનું નવીનીકરણ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Khaswadi Crematorium: વડોદરાના ખાસવાડી સ્થિત સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિની જગ્યા ફરીથી વિકસાવવાની વર્ષોથી ચાલતી માંગનો સુખદ અંત આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દશપિંડ વિધિ માટેની જગ્યાનું નવીનીકરણ શરૂ કરવામાં આવતા આજે મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, ખાસવાડી સ્મશાનમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિ માટે અલગ સ્થળની વ્યવસ્થા હતી. જોકે સ્મશાનના નવીનીકરણ દરમિયાન આ સ્થળ દૂર કરવામાં આવતાં સમાજના લોકોને ધાર્મિક વિધિઓ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. આખરે મ્યુનિસિપલ કોર્પોરેશને સમાજની લાગણીને ધ્યાનમાં રાખી દશપિંડ વિધિ માટેની જગ્યાનું નવીનીકરણ શરૂ કર્યું છે. જેના પગલે સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ખાસવાડી સ્મશાનના નવીનીકરણનું કામ હાલમાં આશરે 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. દશપિંડ વિધિ માટેની નવી સુવિધા શરૂ થતાં સમાજના લોકોને ધાર્મિક વિધિઓ માટે ફરીથી યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થશે. આ કામગીરી બદલ મહારાષ્ટ્રીયન સમાજે મ્યુનિસિપલ કમિશનર, સાંસદ તેમજ સંબંધિત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.







