Baroda

વડોદરાના લોકોને પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ વગર ચાલતું નથી

By GS Team
14 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં M.S. યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, 20 થી 60 વર્ષના 400 નાગરિકોમાંથી 22% લોકો અઠવાડિયામાં એકવાર, જ્યારે 10% લોકો 2-3 વાર પેકેજ્ડ ફૂડ ખરીદે છે. 20-30 વર્ષના યુવાનોમાં આ ચલણ વધુ છે. 46% લોકો નાસ્તો કરતા નથી, જેથી પ્રોસેસ્ડ ફૂડ પર નિર્ભરતા વધે છે. બ્રાન્ડ, સ્વાદ અને કિંમત ખરીદીના મુખ્ય કારણો છે, પોષક તત્વો નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના લોકોને પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ વગર ચાલતું નથી

બજારમાં પડીકાઓમાં મળતા પેકેજ્ડ ફૂડ અને લાંબા સમય સુધી બગડી ના જાય તે માટેની પ્રક્રિયા કરીને વેચાતા પ્રોસેસ્ડ ફૂડના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંખ્યાબંધ ગેરફાયદા છે.આમ છતા તેના વગર લોકોને ચાલતું નથી.એક મોટો વર્ગ સપ્તાહમાં એક થી વધારે આ પ્રકારનુ ફૂડ ખરીદીને ખાય છે તેવું એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના એક અભ્યાસમાં સામે આવ્યું છે.વિભાગના અધ્યાપક ડો.વિજયતા સેંગારના માર્ગદર્શન હેઠળ એમએસસીની વિદ્યાર્થિની નેહા ઉપાધ્યાયે લોકો પ્રોસેસ્ડ અન્ પેકેજ્ડ ફૂડ પર કેટલો આધાર રાખે છે તે જાણવા માટેના અભ્યાસના ભાગરુપે વડોદરા શહેરના ૨૦ થી ૬૦ વર્ષની વયના ૪૦૦ જેટલા નાગરિકોના અભિપ્રાય લીધા હતા.ડો.વિજયતા સેંગાર કહે છે કે, આ પૈકીના ૨૨ ટકા લોકોએ સપ્તાહમાં એક વખત તો ૧૦ ટકા લોકોએ સપ્તાહમાં બે થી ૩ વખત આ પ્રકારના ખાદ્ય પદાર્થો ખરીદતા હોવાનું કહ્યું હતું તો ૩૦ ટકા લોકો એવા હતા જે મહિનામાં એક વખત તો આ પ્રકારનું ફૂડ ખરીદતા જ હતા.ખાસ કરીને ૨૦ થી ૩૦ વર્ષના યુવાઓમાં તો આ પ્રકારના નાસ્તાનું ચલણ ઘણું જ વધારે છે તેમ કહી શકાય.આ પ્રકારના ફૂડમાં પણ લોકો ગાંઠીયા, પાપડી, ચવાણા, સેવ, બિસ્કિટ, આઈસક્રીમ અને ચોકલેટ વધારે ખરીદે છે.૨૫ ટકા લોકોએ હવે પ્રોસેસ્ડ અને પેકેજ ફૂડ ઓનલાઈન ખરીદતા હોવાનું પણ કહ્યું હતું. યુવાઓની રોજની કેલેરીમાં સરેરાશ ૧૧૮૧ કેલેરીનો હિસ્સો તો પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડનો છે.

૪૬ ટકા લોકો બ્રેકફાસ્ટ કરતા નથી, પુરુષોનું પ્રમાણ વધારે
આ અભ્યાસનું એક તારણ એ પણ છે કે, ૪૬ ટકા લોકો બ્રેકફાસ્ટ કરતા નથી.જેની અસર એ થાય છે કે, દિવસ દરમિયાન પ્રોસેસ્ડ કે પેકેજ્ડ ફૂડના નાસ્તા પર લોકો વધારે આધાર રાખે છે.બ્રેકફાસ્ટ નહીં કરનારાઓમાં પુરુષો વધારે છે જ્યારે સાંજનું ભોજન નહીં કરનારાઓમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે.

પોષક તત્વો કરતા બ્રાન્ડ નેમ, સ્વાદ અને કિંમત મહત્વની
પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ ખરીદવા પાછળના ચાર મહત્વના પરિબળોમાં પોષક તત્વો તો છે જ નહીં.૪૬ ટકાએ ખરીદી માટે બ્રાન્ડને, ૨૦ ટકાએ સ્વાદને અને ૧૨ ટકાએ કિંમત તથા ૧૦ ટકાએ અનુકુળતા અને સગવડને મહત્વ આપ્યું હતું.જ્યારે પોષક તત્વોને ગણતરીમાં લેનારા માંડ ૨ ટકા હતા.

મોટાપાયે સામાજિક અભિયાન શરુ કરવું પડશે
ડાયાબિટિસ અને હાર્ટને લગતા રોગોના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે આ અભ્યાસના તારણો આરોગ્ય વિભાગ, સરકાર તથા સમાજ માટે એલાર્મ બેલ જેવા છે.કારણકે આ ટ્રેન્ડને હવે બદલવો હશે તો મોટાપાયે અભિયાન શરુ કરવું પડશે તથા આરોગ્યપ્રદ ફૂડને લોકો માટે આસાનીથી અને ઓછી કિંમતે ઉપલબ્ધ કરવું પડશે.
--નેહા ઉપાધ્યાય, એમએસસી સ્ટુડન્ટ

નાના બાળકોમાં પડીકામાં મળતા નાસ્તાનું ચલણ વધી રહ્યું છે
નાના બાળકોમાં પડીકામાં મળતા નાસ્તા ખાવાની ટેવ વધી રહી છે.જો નાનપણથી જ આ પ્રકારની ટેવ હોય તો મોટા થયા બાદ પણ આ પ્રકારના પેકેજ્ડ ફૂડ પરનું અવલંબન વધે તે સ્વાભાવિક છે.બાળકો સ્કૂલમાં કે પછી ટયુશન ક્લાસમાં જાય ત્યારે આ પ્રકારના નાસ્તા ખાય છે.માતા-પિતાએ તેના પર ધ્યાન આપવાની કે પોકેટ મનીમાંથી તે આવા પેકેજડ ફૂડ ના ખરીદે તેના પર ધ્યાન આપવાની જરુર છે.
ડો.વિજયતા સેંગાર, અધ્યાપક, ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ