કરજણ ડેમના ૫ દરવાજા ખોલતા કરજણ નદી બે કાંઠે વહેતી થઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામ ખાતે આવેલા કરજણ ડેમની પૂર્ણ જળસપાટી ૧૧૫.૨૫ મીટર છે. આજે કરજણ ડેમના પાંચ દરવાજા ખોલી પાણી છોડતાં કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે.
આજે બપોરે એક વાગે કરજણ ડેમની જળસપાટી ૧૦૬.૨૨ મીટર નોંધાઈ હતી. ચાલુ માસ માટે તા.૨૩ જુલાઈના રોજ નિર્ધારિત ૧૦૬.૩૧ મીટરના રૃલ લેવલને જાળવવાના હેતુથી બપોરે ૧-૧૦ કલાકથી કરજણ ડેમના ૪ દરવાજા ૨.૬૦ મીટર (૨૬૦ સેન્ટીમીટર) સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ તેમાં વધુ એક દરવાજો ૨.૩૦ કલાકે ૨.૬૦ મીટર સુધી ખોલવામાં આવ્યો હતો. આમ હાલમાં કુલ ૫ દરવાજા ખોલવામાં આવતા કરજણ નદીમાં હાલ ૪૩,૧૧૦ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.
કરજણ ડેમના હેઠવાસમાં આવેલા નાંદોદ તાલુકાના રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા સહિતના ગામોના નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નદીના પટમાં અવરજવર ન કરવા, નદી કિનારે અનાવશ્યક ભીડ એકત્રિત ન કરવા, પશુઓને નદી તરફ ન લઈ જવા તેમજ માછીમારી સહિતની પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.









