પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની પોલ ખુલ્લી પડી , ખાડા અને ભુવાઓથી લોકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ચોમાસાની શરુઆત થતાં જ અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ અને ખાડાઓની સમસ્યા સર્જાઈ છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ ધસી જતાં ભુવા પડ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના ગાજરાવાડી રોડ, સોમાતળાવ, ખોડિયારનગર, વાસણા, બિલ અને અટલાદરા સહિતના મુખ્ય માર્ગો પર ખાડા પડતાં દૈનિક અવરજવર મુશ્કેલ બની છે. આ ઉપરાંત, હરણી, દાંડિયા બજાર, હાથીખાના અને ગોરવા સહિતના અનેક વિસ્તારોમાં આંતરિક માર્ગો પણ ખખડધજ બન્યા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં હાલાકી વેઠવી પડી રહી છે.
અલવાનાકા, અટલાદરા શાસ્ત્રી સર્કલ, કલાલી વિસ્તારમાં નાના મોટા ભુવા પડયા છે. ગાજરાવાડી પાણીની ટાંકી પાસે સારો રસ્તો બનાવવાની માગ કોંગ્રેસના કાઉન્સિલરે કરી છે, જ્યારે વૉર્ડ નંબર-13માં પિરામિતાર રોડ પર પડેલા ખાડાઓથી સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે.
સ્થાનિકો તકલાદી કામગીરીના કારણે રસ્તાઓ ટૂંકમાં જ ખખડધજ બની રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતાં ખાડા નજરે પડતા નથી. પરિણામે બાઇકચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેથી જોખમરૂપ બનેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ હાથ ધરવાની માગ કરાઈ છે.
બીજી તરફ વિપક્ષે પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતાં આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની આ હાલત જ 'સ્માર્ટ સિટી'ની ના ગમે તેવી વાસ્તવિક્તા દર્શાવે છે.









