પાનમ યોજનાના રૂ.1039.54 કરોડના ભારણથી VMCની તિજોરી તળિયા ઝાટક થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાને પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની બાકી રકમ 12 હપ્તામાં ચૂકવવાની છે. દરખાસ્ત અગાઉ મંજૂર થઈ ગઈ હોવા છતાં પ્રથમ હપ્તા તરીકે ભરવાના અંદાજે રૂ.200 કરોડની રકમ હજુ ચૂકવવામાં આવી નથી. હાલ વેરાની આવકના કારણે કોર્પોરેશનને આંશિક રાહત છે, પરંતુ આગામી માર્ચ-એપ્રિલ દરમિયાન આવકની સ્થિતિ અને એકસાથે ઊભી થતી વિવિધ ચૂકવણીઓને કારણે કોર્પોરેશનની આર્થિક મુશ્કેલી વધી શકે તેવા એંધાણ છે. આ સ્થિતિમાં કોર્પોરેશનના આયોજન અને નાણાકીય વ્યવસ્થાપન સામે પણ સવાલો ઊભા થયા છે.
પાનમ યોજનામાં વર્ષો જૂની બાકી રકમના વ્યાજ અને દંડને કારણે વડોદરા મહાનગરપાલિકા સામે રૂ.5233.22 કરોડની માંગણી ઊભી થઈ હતી. રાજ્ય સરકારના નિર્ણય બાદ વ્યાજ અને દંડ માફ થતાં હવે માત્ર મૂળ રકમ રૂ.1039.54 કરોડ ચૂકવવાની રહેશે. આ રકમ 12 હપ્તામાં ભરવાની હોવાથી આગામી વર્ષોમાં કોર્પોરેશનના બજેટ પર સતત આર્થિક ભારણ રહેવાનું છે.
કોર્પોરેશન દ્વારા હાલમાં વિવિધ વિકાસકામોના બિલોની ચૂકવણી માટે પણ દોડધામ ચાલી રહી છે. બીજી તરફ કર્મચારીઓના પગાર પાછળ દર મહિને આશરે રૂ.80 કરોડનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં પાનમ યોજનાનો પ્રથમ હપ્તો રૂ.200 કરોડ ચૂકવવામાં આવે તો કોર્પોરેશનની રોકડ સિલક પર સીધી અસર પડે તેવી સ્થિતિ છે. પરિણામે પ્રથમ હપ્તાની ચૂકવણી હજુ બાકી છે.
પાનમ યોજના હેઠળ વડોદરા શહેરને મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી મળતા પાણીના જથ્થામાંથી આશરે 50 ટકા પાણી મળે છે. વર્ષ 1971થી કોર્પોરેશન આ યોજનાનું ભાગીદાર એકમ રહ્યું છે. યોજનામાં કોર્પોરેશન ઉપરાંત જીઆઇડીસી, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ, ગુજરાત રિફાઈનરી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ પણ ભાગીદાર છે.
વર્ષ 2007માં સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ 1997-98 સુધીની બાકી રકમ અંગે વ્યાજ સહિતની માંગણી કરવામાં આવી હતી. એપ્રિલ-2026 સુધીમાં વ્યાજ અને દંડ સાથે આ રકમ વધીને રૂ.5233.22 કરોડ થઈ હતી. કોર્પોરેશનની રજૂઆતો બાદ રાજ્ય સરકારે વ્યાજ અને દંડ માફ કરીને માત્ર મૂળ રકમ રૂ.1039.54 કરોડ 12 હપ્તામાં ભરવાની મંજૂરી આપી છે.
અગાઉ દર મહિને રૂ.5.14 લાખ ભરાતા હતા
વર્ષ 2005ના અંતિમ બિલના આધારે કોર્પોરેશને કેપિટલ કોસ્ટના રૂ.383.88 લાખ અને ઓપરેશન-મેન્ટેનન્સના રૂ.523.44 લાખ સિંચાઈ વિભાગને ચૂકવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે દર મહિને રૂ.5.14 લાખ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. જાન્યુઆરી-2026 સુધીમાં કોર્પોરેશને આ મુજબ અંદાજે રૂ.1285 લાખની ચુકવણી કરી હોવાનું જણાવાયું છે.
12 હપ્તા પૈકી પ્રથમ હપ્તો રૂ.200 કરોડનો છે
રાજ્ય સરકારના ઠરાવ મુજબ રૂ.1039.54 કરોડની રકમ 12 હપ્તામાં ભરવાની રહેશે. તેમાં પ્રથમ હપ્તા તરીકે અંદાજે રૂ.200 કરોડ ચૂકવવાના છે. ત્યારબાદ બાકીની રકમ તબક્કાવાર ચૂકવવાની રહેશે. જોકે દરખાસ્ત મંજૂર થઈ ગઈ હોવા છતાં પ્રથમ હપ્તાની ચુકવણી હજુ થઈ નથી.
સત્તા પક્ષ અને વિપક્ષે પણ ઉઠાવ્યા હતા વાંધા
પાનમ યોજનાની આટલી મોટી રકમ ચૂકવવાના ભારણને લઈને અગાઉ સત્તા પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના કાઉન્સિલરે રૂ.1039.54 કરોડની ચૂકવણીથી શહેરના વિકાસકામો અને બજેટ પર અસર થવાની ભીતિ વ્યક્ત કરી હતી. જ્યારે ભાજપના કાઉન્સિલરે વર્ષ 1998માં મહાનગરપાલિકાની ભાગીદારી રદ કરવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો હતો. વર્ષ 2002માં અન્ય ત્રણ સંસ્થાઓ સાથે કરાર થયા હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાને ભાગીદારીથી વંચિત રાખવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. બંને તરફથી દરખાસ્ત મંજૂર કરતાં પહેલાં સમગ્ર મામલે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.




