Baroda

વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસ: કરજણ કોર્ટે આરોપી પોલીસ પતિને આજીવન કેદની સજા ફટકારી, હોટલ માલિકને 5 વર્ષની સજા

By GS Team
14 Aug 20264 mins read
TukuTouch Logo
વડોદરા: સ્વીટી પટેલ મર્ડર કેસમાં તત્કાલીન SOG PI અજય દેસાઈને કોર્ટે આજીવન કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. હોટલ માલિક કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ થયો છે. 2021માં કરજણમાં પત્ની સ્વીટી પટેલની હત્યા કરી લાશ સળગાવી હતી. ઓગળેલા મંગળસૂત્ર-વીંટી અને ટેકનિકલ પુરાવા કેસમાં નિર્ણાયક સાબિત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસ: કરજણ કોર્ટે આરોપી પોલીસ પતિને આજીવન કેદની સજા ફટકારી, હોટલ માલિકને 5 વર્ષની સજા

Baroda News: રાજ્યભરમાં ચકચાર જગવનારા સ્વીટી પટેલ મર્ડર કેસમાં તત્કાલીન એસઓજી પીઆઇ અજય દેસાઇને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી અદાલતે આજીવન કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ તેમજ ગુનામાં પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનાર હોટલ માલિક કિરીટસિંહ જાડેજાને કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી તપાસ ભટકાવવાનો અને પુરાવાનો નાશ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. સાક્ષીઓ ફરી જવાથી કે મૃતદેહ ન મળવાથી ગુનો હળવો થઈ જતો નથી.

શું હતી સમગ્ર ઘટના?

કેસની વિગત એવી છે કે, વર્ષ 2017માં રૂપાણ વર્ધાઇ માતાજીના મંદિરે હારતોરા કરીને લગ્ન કરનાર સ્વીટી પટેલ અને અજય દેસાઈ સાથે કરજણમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા અને તેમને 2 વર્ષનો પુત્ર પણ હતો. અજય દેસાઈ અગાઉથી પરણેલો હોઈ, સ્વીટી આરોપી પોલીસ પતિને પ્રથમ પત્નીને છૂટાછેડા આપી પોતાને સામાજિક સ્વીકૃતિ આપવા અવારનવાર દબાણ કરતી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં 4-5 જૂન 2021ની મધ્યરાત્રીએ કરજણની પ્રયોશા સોસાયટીમાં પીઆઈએ પોતાની ત્રીજી પત્ની સ્વીટી પટેલનું ગળું ટૂંપી હત્યા કર્યા બાદ કારમાં લાશ લઈને અટાલી ગામ સ્થિત અવાવરૂ હોટલના કમ્પાઉન્ડમાં સળગાવી દીધી હતી.

હત્યા કર્યાના બીજા દિવસે સવારે આરોપી પતિએ સ્વીટી ગુમ થયાનું નાટક કરી સાળા જયદીપ પટેલને બોલાવી સ્વીટી ઝઘડો કરીને જતી રહી હોવાનું જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. શરૂઆતમાં કરજણ પોલીસે ગુમ થયાની નોંધ કરી ઢીલી તપાસ કરી હતી, પરંતુ મામલો ચકચારી બનતાં તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. તપાસમાં તત્કાલીન પીઆઈ અજય દેસાઈ શંકાના ઘેરામાં આવ્યો હતો. પોલીસ અને એફએસએલની ટીમે અટાલી ગામની અવાવરૂ હોટલમાંથી બળેલા માનવ હાડકાં, રાખ અને જીપના ટાયરના નિશાન મેળવ્યા હતા.

કેસમાં 128 સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા

જો કે, હાડકાં સંપૂર્ણપણે બળી ગયા હોવાથી ડીએનએ મેચ થઈ શક્યું નહોતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એવિડન્સ, મોબાઈલ ટાવર લોકેશન, સીડીઆર ડેટા અને જીપનું રિવર્સ પાર્કિંગ જેવા મહત્ત્વના પુરાવાઓ એકત્ર કરીને બંને આરોપીઓ સામે ગંભીર ગુનો સાબિત કર્યો હતો. કેસમાં 128 સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મૃતકના ભાઈ(ફરિયાદી) સહિતના 38 પંચ અને સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા હતા. બચાવ પક્ષે મુખ્ય દલીલ કરવામાં આવી હતી કે, મૃતદેહ મળ્યો નથી, ડીએનએ મેચ થતો નથી અને ફરિયાદી તથા પંચો સહિતના સાક્ષીઓ ફરી ગયા છે.

જ્યારે સરકારી વકીલ આર.એમ. જ્ઞાનચંદાણીએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી આરોપી પતિને ફાંસીની સજાની માગણી કરી હતી. તેમણે ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ હેઠળ દલીલ કરી હતી કે મધ્યરાત્રીએ બંધ મકાનમાં સ્વીટી અજય સાથે છેલ્લે જીવંત જોવા મળી હતી અને ત્યારબાદ તે ગુમ થઈ હતી. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો ન હતો અને પીઆઈ અજય દેસાઈને આજીવન કેદ અને કિરીટસિંહને પાંચ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

રાખમાંથી મળેલા ઓગળેલા મંગળસૂત્ર-વીંટીએ પીઆઇનો ખેલ બગાડી નાખ્યો

અટાલી હોટલના કમ્પાઉન્ડમાંથી મળેલી રાખ અને માનવ હાડકાંનું ડીએનએ પ્રોફાઈલિંગ સંપૂર્ણ બળી જવાના કારણે નિષ્ફળ ગયું હતું, જેથી પીઆઈ અજય દેસાઈ બચી જશે તેવું લાગતું હતું. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એફએસએલ ટીમે બારીક તપાસ કરીને બળેલા પદાર્થોમાંથી મંગળસૂત્રના ટુકડા અને સોનાની વીંટી શોધી કાઢયા હતા. એફએસએલ અધિકારી સ્વીટીના મોબાઈલમાંથી મળી આવેલા ફોટોગ્રાફ્સ સાથે આ સોનાના દાગીનાની ડિઝાઈન સરખાવી હતી. એફએસએલ રિપોર્ટમાં સાબિત થયું હતુ કે, ઓગળેલું મંગળસૂત્ર અને વીંટી સ્વીટી પટેલે ફોટામાં પહેરેલા ઘરેણાં સાથે આબેહૂબ મેચ થાય છે. આ ટેકનિકલ પુરાવો જ કેસમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો અને પીઆઈના બચાવના દરવાજા બંધ કરી દીધા હતા.

સવારે જીપ રિવર્સમાં પાર્ક કરી પોલીસ જવાન પાસે નાસ્તો મંગાવ્યો

આ કેસમાં આરોપી અજય દેસાઈનું શંકાસ્પદ વર્તન જ તેની વિરુદ્ધ મોટો પુરાવો બન્યું હતું.. 5મી જૂનની સવારે સ્વીટી ઘરમાં ન હોવાનું જાણવા છતાં પીઆઈએ તેને શોધવા સ્થાનિક પોલીસની મદદ લેવાને બદલે ઘરની અંદર પોતાની કમ્પાસ જીપ રિવર્સમાં પાર્ક કરી હતી, જેથી લાશને કારમાં ગુપ્ત રીતે ગોઠવી શકાય. આ દ્રશ્યો સીસીટીવીમાં કંડારાયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે, સ્વીટીને શોધવાની જગ્યાએ પીઆઇએ પોતાના તાબા હેઠળના પોલીસ જવાન પાસે સવારે ઘરે નાસ્તો, દવા અને ફાઈલો મંગાવી હતી. પોતાના જ તાબેદારો પાસે કામ કરાવનાર પીઆઈએ પત્ની ગુમ હોવાની વાત તેમનાથી પણ છુપાવી રાખી હતી. આ અસ્વાભાવિક વર્તનને કોર્ટે ગુનાહિત માનસિકતા ગણી ચુકાદામાં મહત્ત્વની નોંધ પણ કરી હતી.