Baroda

ચોમાસાના પ્રારંભમાં સ્માર્ટ સિસ્ટમના બેહાલ : વિશ્વામિત્રી નદી પર લગાવેલા વોટર લેવલ સેન્સરમાં ચાર ઠપ્

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ જળસ્તર પર નજર રાખવા 10 સ્થળોએ લાખોના ખર્ચે વોટર લેવલ સેન્સર ઇન્સ્ટોલ કરાયા હતા. ચોમાસાની શરૂઆત થતા જ 10માંથી 4 સેન્સર બંધ હાલતમાં જોવા મળ્યા છે, જેમાંથી 2 સ્થળે કેબલ કપાયા છે. બહુચરાજી, મુજમહુડા, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતેના સેન્સર બંધ છે. આ ગંભીર બેદરકારીથી પૂર વ્યવસ્થાપન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસાના પ્રારંભમાં સ્માર્ટ સિસ્ટમના બેહાલ : વિશ્વામિત્રી નદી પર લગાવેલા વોટર લેવલ સેન્સરમાં ચાર ઠપ્

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પાણીના જળસ્તર પર સતત નજર રાખવા લાખો રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ વોટર લેવલ સેન્સર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ સેન્સરની મદદથી નદી અને જળાશયોના પાણીના સ્તરની રિયલ ટાઈમ માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ તેમજ સંબંધિત અધિકારીઓના મોબાઇલ સુધી પહોંચે છે. જોકે ચોમાસાની શરૂઆત સાથે જ આ મહત્વપૂર્ણ વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવી છે. 10 પૈકી ચાર સ્થળોના સેન્સર હાલ બંધ હોવાનું સામે આવ્યું છે.

10.jpg

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આજવા, અકોટા બ્રિજ, અશોજ ફીડર, કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, સમા-હરણી બ્રિજ, બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતે વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા છે.
વર્ષ 2022 પહેલાં જળસ્તર મેન્યુઅલ પદ્ધતિથી માપવામાં આવતું હતું. નવી ટેક્નોલોજી અમલમાં આવ્યા બાદ જળસ્તરની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગી હતી, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિમાં સમયસર નિર્ણય લેવામાં સરળતા રહેતી હતી. પરંતુ હાલમાં બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતેના સેન્સર કાર્યરત નથી. જાણવા મળ્યા મુજબ બે સ્થળોએ કેબલ કપાઈ જતાં સિસ્ટમ બંધ થઈ ગઈ છે, જ્યારે એક સ્થળે સેન્સર મેન્ટેનન્સ હેઠળ હોવાથી માહિતી મળી રહી નથી. પરિણામે આ ચાર સ્થળોના પાણીના સ્તરની ઓનલાઈન માહિતી ઉપલબ્ધ નથી.

વોટર લેવલ સેન્સરનો મુખ્ય હેતુ ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં પાણીના સ્તરમાં થતા ફેરફારની ત્વરિત માહિતી મેળવી તંત્રને એલર્ટ કરવાનો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી શકાય અને બચાવ કામગીરીનું અસરકારક આયોજન થઈ શકે.
તાજેતરમાં દેશના અનેક શહેરોમાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે વડોદરામાં પણ વરસાદી સિઝનની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં પૂર વ્યવસ્થાપન માટેની મહત્વપૂર્ણ સ્માર્ટ સિસ્ટમના ચાર સેન્સર બંધ હોવાની ઘટના તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. હવે વરસાદની તીવ્રતા વધે તે પહેલાં બંધ પડેલી સિસ્ટમને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.