RTOના ઈ-ચલણના નામે APK ફાઈલ મોકલી VMCના નાયબ કાર્યપાલક ઈજનેરના ખાતામાંથી રૂ. 14,999 ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Cybder Crime : વડોદરા શહેરમાં RTOના ઈ-ચલણના નામે સાયબર ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે. આર.વી.દેસાઈ રોડ ખાતે રહેતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય દિપકકુમાર બારોટના બેંક ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ રૂ.14,999 ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે નવાપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, દિપકકુમાર બારોટને ગત તા. 3 મેના રોજ તેમની કારના ઈ-ચલણનો મેસેજ મળ્યો હતો. મેસેજ સાથે ‘ઈ-ચલણ રિપોર્ટ’ નામની APK ફાઈલ પણ મોકલવામાં આવી હતી. દિપકકુમારે આ ફાઈલ ઓપન કરી ચલણ ભરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રોસેસ થઈ શકી ન હતી. ત્યારબાદ ગત તા. 6 જૂનના રોજ તેમના મોબાઈલમાં બેંક ખાતામાંથી રૂપિયા ડેબિટ થયા હોવાના મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતાં તેમના ખાતામાંથી કુલ રૂ.14,999 ટ્રાન્સફર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં દિપકકુમારે RTOમાં તપાસ કરતાં આવા કોઈ ઈ-ચલણની વિગતો જ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. મેસેજ સાથે મોકલવામાં આવેલી APK ફાઈલના બહાને સાયબર ગઠિયાઓએ મોબાઈલ અને બેંક સંબંધિત માહિતી મેળવી ઠગાઈ કરી છે. નવાપુરા પોલીસે અજાણ્યા સાયબર ગઠિયાઓ સામે ગુનો નોંધી રૂપિયા ક્યાં ટ્રાન્સફર થયા અને ઠગાઈ કોણે આચરી તેની દિશામાં તપાસ શરૂ કરી છે.




