Baroda

વડોદરાના અટલ ગાર્ડનમાં સોલાર ટ્રી ઇન્સ્ટોલેશન મામલે રહીશોનો વિરોધ : કામગીરી અટકાવી

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના અટલાદરા સ્થિત અટલ ગાર્ડનમાં સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરીને લઈ ગઈકાલે રાત્રે વિવાદ થયો હતો. સહેલાણીઓએ ગાર્ડનના રમત-ગમતના ભાગમાં સોલાર પેનલ લગાવવાનો વિરોધ કરી કામ અટકાવ્યું હતું. તેમનું કહેવું છે કે, ગાર્ડન નાનું છે અને બાળકોની સુરક્ષા જોખમાઈ શકે છે. અગાઉ ખાલી જગ્યામાં સોલાર લગાવવા સૂચન કરાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અટલ ગાર્ડનમાં સોલાર ટ્રી ઇન્સ્ટોલેશન મામલે રહીશોનો વિરોધ : કામગીરી અટકાવી

Vadodara News : વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા અટલ ગાર્ડનમાં સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરીને લઈને ગઈકાલે રાત્રે વિવાદ સર્જાયો હતો. ગાર્ડનમાં સહેલાણીઓએ કામગીરીનો વિરોધ કરી કામ અટકાવ્યું હતું. સહેલાણીઓના જણાવ્યા મુજબ ગાર્ડન પહેલેથી જ નાનું છે અને તેમાં ઉપલબ્ધ જગ્યા લોકોના ઉપયોગ માટે મહત્વની છે.
સહેલાણીઓના જણાવ્યા મુજબ અટલ ગાર્ડન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. જેમાંથી બે ભાગમાં બાળકોને રમવા તેમજ લોકો માટે ચાલવા-ફરવાની વ્યવસ્થા છે, જ્યારે અન્ય એક ભાગમાં સોલાર પેનલ લગાવવા માટે જગ્યા ઉપલબ્ધ છે. આ અંગે અગાઉ પાલિકાના અધિકારીઓને પણ સૂચન કરવામાં આવ્યું હતું કે સોલાર વ્યવસ્થા અન્ય ખાલી ભાગમાં કરવામાં આવે.
પરંતુ સહેલાણીઓનો આક્ષેપ છે કે અગાઉ સૂચવાયેલા સ્થળને બદલે બાળકો રમે છે અને લોકો ચાલવા માટે ઉપયોગ કરે છે તે ભાગમાં જ સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે સહેલાણીઓએ સ્થળ પર પહોંચી સખત વાંધો ઉઠાવી કામગીરી રોકાવી હતી.
સહેલાણીઓના જણાવ્યા મુજબ વાવાઝોડા દરમિયાન સોલાર પેનલ કે તેનું માળખું પડી જવાની શક્યતા રહે છે. જ્યારે ચોમાસા દરમિયાન કરંટ લાગવાનો ભય પણ રહે છે. આવી સ્થિતિમાં ગાર્ડનમાં આવતા બાળકો અને સહેલાણીઓની સલામતી સામે જોખમ ઊભું થઈ શકે છે.