Baroda

પાણી ભરવા બાબતે ઝઘડો : પરિણીતાને લાતો મારી, પતિનું માથું કાચના દરવાજામાં પછાડ્યું

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના અકોટા ગામે પાણી ભરવા બાબતે પટેલ પરિવારમાં ઝઘડો થયો. સામ્યા પટેલે ફરિયાદ કરી કે, સસરા મુસ્તફા અને સાહિબે તેમને લાતો મારી. પતિનું માથું કાચના દરવાજામાં પછાડતા ઇજા થઇ. આરોપીઓએ ફોન ઝૂંટવી લીધા. અકોટા પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાણી ભરવા બાબતે ઝઘડો : પરિણીતાને લાતો મારી, પતિનું માથું કાચના દરવાજામાં પછાડ્યું

Vadodara Crime : વડોદરાના અકોટા ગામમાં પાણી ભરવા બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પરિણીતાને લાતો મારવા ઉપરાંત તેના પતિનું માથું કાચના દરવાજામાં પછાડતાં ઈજા થઈ હોવાની ફરિયાદ અકોટા પોલીસ મથકમાં નોંધાઈ છે.
અકોટા ગામ ખાતે રહેતી સામ્યા અમિન પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના મોટા સસરા અહેમદ પટેલ અને દાદી સાસુ વચ્ચે પાણી ભરવા બાબતે રકઝક ચાલી રહી હતી. આ દરમિયાન મોટા સસરાનો પુત્ર સાહિબ પટેલ અને તેની પત્ની આફિયા પણ ઝઘડામાં જોડાયા હતા. ફરિયાદ મુજબ, તેમના સસરા મુસ્તફા પટેલે તેમને લાફો માર્યો હતો અને તેમના પતિ સાથે પણ ઝપાઝપી કરી હતી.
સામ્યાએ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઇલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કરતાં આરોપીઓએ તેમના તથા તેમના પતિના મોબાઇલ ફોન ઝૂંટવી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. વધુમાં, સાહિબે તેમને પેટમાં લાતો મારી ગાળો આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ દરમિયાન સસરા મુસ્તફા પટેલે તેમના પતિનું માથું પકડીને કાચના દરવાજામાં પછાડતાં દરવાજો તૂટી ગયો હતો અને પતિને માથામાં ઈજા થઈ હતી. પરિવારના સભ્યો દ્વારા બચાવવા કોઈ આવી ન શકે તે માટે આફિયાએ ઘરના દરવાજા બંધ કરી દીધા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
જોકે, બાજુમાં આવેલી દરગાહ પરથી પાડોશીઓ તેમના ઘરમાં આવી પહોંચ્યા હતા અને પરિવારને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પણ સસરા મુસ્તફાએ પાડોશીઓ સાથે ઝઘડો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર બનાવ અંગે અકોટા પોલીસે સસરા મુસ્તફા ઇબ્રાહીમ પટેલ, મોટા સસરા અહેમદ ઇબ્રાહીમ પટેલ, તેમનો પુત્ર સાહિબ અહેમદ પટેલ અને સાહિબની પત્ની આફિયા સાહિબ પટેલ (તમામ રહે. અકોટા ગામ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.