વડોદરામાં રામેશ્વર ચાલી વિસ્તારમાં ગટરમિશ્રિત પાણીની સમસ્યા : દસ દિવસ ચોખ્ખું પાણી, ફરી ગટરનું પાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Dirty Water : વડોદરા શહેરના વોર્ડ નંબર-1માં નવાયાર્ડ રોડ પર આવેલી રામેશ્વર ચાલી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરોમાં વિતરણ કરવામાં આવતું પાણી અવારનવાર ગટરમિશ્રિત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા યથાવત્ હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ઘરોમાં ગટરમિશ્રિત પાણી આવતાં તેઓ વોર્ડ કચેરીમાં ફરિયાદ કરે છે. ત્યારબાદ અધિકારીઓ દ્વારા ડ્રેનેજ સાફ કરવા માટે કર્મચારીઓને સૂચના આપવામાં આવે છે. કર્મચારીઓ ડ્રેનેજની સફાઈ કરી જાય બાદ થોડા દિવસો માટે પાણી ચોખ્ખું આવવા લાગે છે. જોકે, આશરે દસ દિવસ બાદ ફરી પાણીમાં ગટરનું પાણી ભળી જવાની સમસ્યા સર્જાય છે. આ પ્રકારે વારંવાર ફરિયાદ, સફાઈ અને ફરી ગટરમિશ્રિત પાણીની સમસ્યાનો સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો હોવાનું રહીશો જણાવી રહ્યા છે.
રહીશોએ જણાવ્યું હતું કે, પીવાના અને ઘરવપરાશના પાણીમાં ગટરનું પાણી ભળી આવતું હોવાથી આરોગ્યને લઈને પણ ચિંતા ઉભી થઈ છે. તંત્ર દ્વારા માત્ર ડ્રેનેજ સફાઈ કરીને કામચલાઉ રાહત આપવામાં આવે છે, પરંતુ પાણીની લાઈનમાં ગટરનું પાણી કેવી રીતે ભળી રહ્યું છે તેની તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી અનેક લોકો ઉપવાસ સહિત ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. શિવલિંગ પર અભિષેક માટે પણ ઘરમાં આવતું પાણી ઉપયોગમાં લેવાતું હોવાથી ગટરમિશ્રિત પાણીની સમસ્યાને કારણે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી હોવાની લાગણી સ્થાનિક રહીશોએ વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યા દૂર ન થતાં હવે તેઓ કંટાળી ગયા છે. સામાજિક કાર્યકરે પણ તંત્રને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માગ કરી છે.




