Baroda

વડોદરા નજીક સિકંદરપુરા ગામે રામદેવપીરના વરઘોડામાં વીજ લાઇનને ધજા અડતા નવ શ્રધ્ધાળુઓને કરંટ લાગ્યો

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા નજીક સિકંદરપુરા ગામે રામદેવપીરના વરઘોડામાં ડીજે પર ફરકાવાતી ધજા 11 KV વીજલાઇનને અડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 4 માસૂમ બાળકો સહિત 9 શ્રદ્ધાળુઓને કરંટ લાગ્યો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક સિકંદરપુરા ગામે રામદેવપીરના વરઘોડામાં વીજ લાઇનને ધજા અડતા નવ શ્રધ્ધાળુઓને કરંટ લાગ્યો

વડોદરા નજીક સિકંદરપુરા ગામે રામદેવપીરના વરઘોડા દરમિયાન નેજા(ધજા) ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનને અડી જતા ચાર માસૂમ બાળકો સહિત નવ શ્રધ્ધાળુઓને કરંટ લાગતા તમામને સારવાર માટે ખસેડાતા બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાદરવા માસની નોમના દિવસે રામદેવપીરની આરાધના કરવાનો મહિમા છે. આ દિવસે શ્રધ્ધાળુઓ રામદેવપીરના મંદિરે એકત્ર થાય અને બાદમાં નેજા લઇને ગામમાં અથવા વિસ્તારમાં વરઘોડો નીકળે આ વરઘોડો મંદિરે પરત આવે ત્યારે મંદિર પર નેજા ચઢાવવાની પ્રથા છે. વડોદરા-નિમેટારોડ પર આવેલ સિકંદરપુરા ગામમાં આજે બપોરે સાડા અગિયાર વાગ્યે ગામના મંદિરેથી શ્રધ્ધાળુઓએ એકત્ર થઇને નેજા સાથે વરઘોડો કાઢ્યો હતો.
વરઘોડો ગામની આંગણવાડી પાસે પહોંચ્યો હતો અને ડીજે મોટા અવાજે વાગતું હતું આ સમયે ડીજેની ગાડી પર ઊભેલા એક યુવાને પોતાની પાસેની નેજા(ધજા) ઊંચે ફરકાવવા જતા ઉપરથી પસાર થતી ૧૧ કે.વી. વીજલાઇન સાથે અથડાતા કરંટ ઉતરતા તેને કરંટનો ઝાટકો વાગ્યો હતો આ સાથે જ નજીકમાં નેજા સાથે ઊભેલા અન્ય લોકોને પણ વીજકરંટના ઝાટકા લાગતા વરઘોડામાં અફરાતફરી મચી ગઇ હતી.
ડીજેનો અવાજ તાત્કાલિક બંધ કરાવી વીજ કરંટ લાગેલા નવ શ્રધ્ધાળુઓને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી છે. આ નવ પૈકી બે શ્રધ્ધાળુની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

કરંટ લાગતા દાઝેલા શ્રધ્ધાળુઓના નામ

  • હર્ષદ શૈલેષભાઇ ભાલીયા (ઉ.વ.૧૨)
  • વિવેક વિષ્ણુભાઇ ભાલીયા (ઉ.વ.૧૪)
  • ભાવિષા જગદીશભાઇ ભાલીયા (ઉ.વ.૧૩)
  • દેવુબેન જયેશભાઇ ભાલીયા (ઉ.વ.૫)
  • અલ્પેશ સુભાષભાઇ ભાલીયા (ઉ.વ.૨૫)
  • વિશાલ જીવણભાઇ બારીયા (ઉ.વ.૨૨)
  • રોનક ઉપેન્દ્રભાઇ મકવાણા (ઉ.વ.૧૮)
  • ઇશાબેન સુરેશભાઇ ઠાકરડા (ઉ.વ.૧૨)
  • ભરત વિનોદભાઇ ઠાકરડા (ઉ.વ.૨૨)
    (તમામ રહે.સિકંદરપુરા, તા.વાઘોડિયા)