રૂ.5 કરોડના ખર્ચે બનેલા નાળામાં તંત્રની બેદરકારી : સુરક્ષા જાળી હટાવી મ્યુનિ. કોર્પોરેશને નાળું ફરી ચોક થવાનો રસ્તો ખોલ્યો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ડભોઈ રોડ પર આવેલા મહાનગર નાળાની સફાઈ અને નવી પાઇપલાઇન પાછળ રૂ.5 કરોડનો ખર્ચ કર્યા બાદ હવે પોતાની જ કામગીરી પર પાણી ફેરવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કચરો નાળામાં ન જાય તે માટે ટેન્ડરની શરતો મુજબ લગાવવામાં આવેલી સુરક્ષા જાળી જ અધિકારીઓએ હટાવી દેતાં સમગ્ર પ્રોજેક્ટ ફરી નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું કે આ નાળું છેલ્લા 30 વર્ષથી યોગ્ય રીતે સાફ થયું નહોતું. અનેક રજૂઆતો અને વિરોધ બાદ વર્ષ 2024-25 દરમિયાન નાળાની સફાઈ અને નવી પાઇપલાઇનનું કામ હાથ ધરાયું હતું. કરોડો રૂપિયાના ખર્ચ છતાં હવે સુરક્ષા જાળી હટાવી દેવામાં આવતા ફરી કચરો સીધો નાળામાં જશે અને થોડા જ સમયમાં નવી લાઇન પણ ચોકઅપ થઈ જશે.
તેમણે આક્ષેપ કર્યો કે ટેન્ડરની જોગવાઈ મુજબ લગાવવામાં આવેલી જાળી દૂર કરવાનો નિર્ણય અધિકારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે. જો ફરી નાળું ચોકઅપ થશે તો ફરી નાણાં ખર્ચીને સફાઈ કરાવવાની નોબત આવશે, જે કરદાતાના પૈસાનો વેડફાટ છે.
વધુમાં કહ્યું કે વર્ષો સુધી રજૂઆતો કર્યા બાદ માંડ આ નાળાની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો, પરંતુ હવે મ્યુનિ કોર્પોરેશનના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ટેન્ડરની શરત મુજબ પણ જાળી જરૂરી છે. આ મામલે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાશે.









