વડોદરામાં ચોમાસાની ઋતુનો માહોલ આખો દિવસ ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. રેડ એલર્ટ વચ્ચે આજે સવારથી શરૃ થયેલો વરસાદ મોડી સાંજ સુધી ચાલું રહ્યો છે. વડોદરા શહેરમાં સવારથી સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સવારે છ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ સતત વરસી ગયો છે. આ સાથે કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની ફરિયાદો ઊઠી છે.
જૂન માસ વરસાદ માટે કોરો રહ્યા બાદ જુલાઇ માસમાં પણ વરસાદ આવશે કે નહી તે અંગે શંકાઓ વચ્ચે પરમ દિવસે સાંજે માત્ર બે કલાકમાં વડોદરામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ગઇકાલે વરસાદે વિરામ લીધો હતો અને ગઇ રાત્રે સામાન્ય વરસાદ વરસ્યા બાદ આજે સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે આઠ વાગ્યાથી વરસાદ શરૃ થયો હતો. ત્યારબાદ સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.
સવારે શાળા તેમજ ઓફિસોમાં જવાના સમયે જ વરસાદ શરૃ થતાં અનેક લોકો અટવાયા હતાં. એકધારા સતત વરસાદના કારણે નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં આજે સવારે છ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
માત્ર વડોદરા શહેર જ નહી પરંતુ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહી હતી. આજે આખો દિવસ સતત વરસાદના કારણે ધરતીપુત્રો પણ ખુશ થઇ ગયા છે. જિલ્લામાં પાદરા, ડભોઇ તેમજ કરજણ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વડોદરામાં આજે પણ ઓરેન્જ એલર્ટ
વડોદરામાં ચોમાસાની ઋતુ બરાબર બેસી ગઇ છે. આજે રેડ એલર્ટના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું હતું. જ્યારે આવતીકાલે શુક્રવારે પણ હવામાનખાતા દ્વારા વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનખાતાની આગાહીના પગલે સરકારી કચેરીઓમાં કર્મચારીઓની રજાઓને પણ બ્રેક વાગી ગઇ છે.
શહેર અને જિલ્લામાં સિઝનનો ૨૫ ટકા વરસાદ વરસ્યો
વડોદરામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ઇંચ પડે છે. શહેર અને જિલ્લાના કુલ સરેરાશ વરસાદની સામે આજ દિન સુધી ૨૫ ટકા વરસાદ વરસી ગયો છે. હવામાનખાતાના આંકડા મુજબ વડોદરા શહેરમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પૂર નિયંત્રણ કક્ષના આંકડા મુજબ શહેર અને જિલ્લાનો કુલ ૧૦ ઇંચ વરસાદ પડયો છે. આમ છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદના કારણે અત્યારસુધીના કુલ વરસાદની ઘટ ભરપાઇ થઇ છે.









