ટ્રાફિક ચલણની લિન્ક મોકલી ત્રણ ક્રેડિટ કાર્ડમાંથી રૃપિયા સેરવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇના વેપારીને ટ્રાફિક ચલણની લિન્ક મોકલીને સાયબર ગઠિયાઓએ વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર રૃા.૧.૯૫ લાખ ઉપાડી ગોલ્ડ કોઇનના ગિફ્ટ કાર્ડ ખરીદ્યા હતાં.
ડભોઇની વિશ્રાંતિગ્રીન સોસાયટીમાં રહેતા તરૃણકુમાર મોતીરામ માલીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૧ના રોજ હું વડોદરા મારી કાર લઇને સામાનની ખરીદી કરી ઘેર આવ્યા બાદ હું વોટ્સએપ જોતો હતો ત્યારે એક મેસેજ આવ્યો હતો અને મારી કાર પર રૃા.૧૦૦૦નો ટ્રાફિક ચલણ ઇસ્યૂ થયો હોવાના ઉલ્લેખ સાથે એક લિન્ક હતી અને દંડની રકમ ભરી ક્લિયર કરવા જણાવ્યું હતું. મેં આ લિન્ક ઓપન કરતા એક પેજ આવ્યું હતું બાદમાં મારો ફોન હેક થઇ ગયો હતો અને તેની સાથે જ મારા ત્રણ ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૃા.૧.૯૫ લાખ કપાઇ ગયા હતાં. મેં આ અંગે તપાસ કરતા સાયબર ગઠિયાઓએ તનિષ્ક ગોલ્ડ કોઇનના ચાર ગિફ્ટ કાર્ડ ખરીદ્યા હતાં.
અન્ય બનાવમાં વડોદરા નજીક ઇંટોલામાં રહેતો તેમજ વરણામા ખાતે ન્યુ મકરપુરા કોર્નકોન રેલવે ગોડાઉનમાં સર્વેયર તરીકે નોકરી કરતો મિથેલેશકુમાર સુરેન્દ્રરાય યાદવ તા.૨૨ના રોજ નોકરી પર હતો ત્યારે મોબાઇલમાં એક ઓટીપી આવ્યો હતો. આ ઓટીપી કોઇ સાથે શેર કર્યો ન હોવા છતાં બેન્ક એકાઉન્ટમાંથી રૃા.૬૮ હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.
આ ઉપરાંત શેરખી ગામમાં શિવ રેસિડેન્સીમાં રહેતા અને પોર ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતા અમિતસિંહ હિંમતસિંહ ચૌહાણ તા.૨૫ના રોજ ગણપતિ દર્શન માટે ગયા હતા ત્યારે મોબાઇલમાં સતત ઓટીપી આવ્યા હતાં. બાદમાં મારા બેન્ક એકાઉન્ટમાંથી રૃા.૫૦ હજાર ઉપડી ગયા હતાં. ઉપરોક્ત બંને ફરિયાદો વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




