વડોદરા મધ્યસ્થ જેલમાં ફરી મોબાઇલ મળ્યો : કાચા આરોપી પાસેથી ફોન જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Central Jail : વડોદરા મધ્યસ્થ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પર લગામ લગાવવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર કાચા આરોપી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલ તંત્ર સતર્ક બન્યું છે. નિયમિત ઝડતી દરમિયાન આરોપીના હાથના બાવડામાં સંતાડેલો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવતા પ્રિઝન એક્ટ અને જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં તા.27 જુલાઈ, 2026ના રોજ સાંજે આશરે 5:05 વાગ્યે યાર્ડ નં.11ની બેરેક નં.4માં જેલ અધિકારીઓ દ્વારા નિયમિત ઝડતી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કાચા આરોપી હુસન કાદરમિયા સુન્નીની અંગઝડતી કરતા તેના ડાબા હાથના બાવડામાં સંતાડેલો કેચાડા કંપનીનો ગોલ્ડન કલરનો બેટરી સહિતનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
ઝડતી દરમિયાન હાજર જેલર અને સ્થાનિક સ્ક્વોડના કર્મચારીઓએ મોબાઇલ કબજે કરી તેની તપાસ કરતાં તેમાં બે IMEI નંબર નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. મોબાઇલ સાથે 800 mAh ક્ષમતાની બેટરી પણ મળી આવી હતી.
જેલના નિયમો અનુસાર જેલ પરિસરમાં મોબાઇલ ફોન રાખવો પ્રતિબંધિત હોવાથી જેલર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદના આધારે આરોપી સામે વીવીધ કલમો અને પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા મોબાઇલ અંગે વધુ તપાસ શરૂ કરી છે. મોબાઇલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો, તેમાં કોનો સંપર્ક હતો અને તેમાં કોઈ ગુનાહિત માહિતી કે નેટવર્કના પુરાવા છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.









