મેઘરાજાની મહેરબાની: જળાશયોમાં નવા પાણીની આવક શરૂ: આજવા અને વિશ્વામિત્રીની સપાટીમાં આંશિક વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા વરસાદને કારણે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા આજવા સરોવર સહિતના જળાશયોની સપાટી સતત ઘટી રહી હતી, જેના કારણે પાણીના જથ્થા અને ખેતીને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી હતી. દરમિયાન ગઈકાલે રાત્રીથી શરૂ થયેલા વરસાદે આ ચિંતામાં આંશિક રાહત આપી છે.
જિલ્લામાં ધીમીધારે પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાથે જ જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થતાં તેમની ઘટતી સપાટી સ્થિર થઈ છે અને કેટલાક જળાશયોમાં વધારો પણ નોંધાયો છે.
તાજેતરના આંકડા મુજબ છેલ્લા ત્રણ કલાકમાં આજવા સરોવરની જળસપાટી 207.85 ફૂટથી વધીને 207.88 ફૂટ થઈ છે. જોકે વધારો ઓછો છે, પરંતુ સતત ઘટતી સપાટી વચ્ચે આ વધારો સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
તે જ રીતે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ કલાકમાં નદીની સપાટી 5.25 ફૂટથી વધીને 5.77 ફૂટ થઈ છે. વરસાદ યથાવત રહે તો આગામી કલાકોમાં જળાશયો અને નદીમાં વધુ પાણીની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી પાણીની સ્થિતિમાં વધુ સુધારો થવાની આશા સેવાઈ રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા નદી અને જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.









