મેયર-ચેરમેન પોતાની પસંદગીની દરખાસ્તો જ એજન્ડા પર મૂકે છે : મુખ્યમંત્રીને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના એજન્ડામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોકલવામાં આવતી તમામ દરખાસ્તો નિયત સમયમાં સામેલ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે, કમિશનર દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તોમાંથી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને યોગ્ય લાગે તેવી દરખાસ્તો જ અનુક્રમે સામાન્ય સભા અને સ્થાયી સમિતિના એજન્ડા પર મૂકવામાં આવે છે. બાકીની દરખાસ્તો એજન્ડા પર ન મૂકવાની આ પદ્ધતિ કાયદેસરની ન હોવાનો દાવો કરાયો છે.
સ્થાયી સમિતિમાં આવતી દરખાસ્તો અને ફાઇલો ચૂંટાયેલા સભ્યો, ખાસ કરીને વિપક્ષના સભ્યોને વાંચવા માટે આપવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલીક દરખાસ્તો એજન્ડા પર મૂક્યા વગર જ ચેરમેનની સહીથી કમિશનર પાસે પરત મોકલાતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે, દરખાસ્તો એજન્ડા પર ન મૂકવાની પ્રક્રિયાને કારણે શહેરના વિકાસકામોને અસર થવાની સાથે ભ્રષ્ટાચારની શંકા પણ ઊભી થાય છે. વધુમાં જણાવ્યું છે કે ઈજારો પૂરો થયા પછી ઇજારા લંબાવવાની બાબતની દરખાસ્તો પણ કાયદેસર નથી. સભા સેક્રેટરી હકીકતથી વાકેફ હોવા છતાં રાજકીય દબાણને વશ થઈ નિષ્કાળજી દાખવી રહ્યા છે.
સમગ્ર પ્રક્રિયાની તપાસ કરી કાયદાની ઉપરવટ થતી કામગીરી અટકાવવા મુખ્યમંત્રી સમક્ષ નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે. સાથે જ રજૂઆતમાં જણાવાયું છે કે, કાર્યવાહી નહીં થાય તો કાયદેસર રીતે કોર્ટનો માર્ગ અપનાવવામાં આવશે.




