જોઇનિંગ લેટર પર મેડમની સહી બાકી છે..રેલવેમાં નોકરીના નામે ચાર યુવકાે સાથે 10 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં કોઇ પણ પ્રકારની ઇન્ટરવ્યૂ વગર નોકરી અપાવવાના નામે ચાર યુવકો સાથે રૃ.૧૦.૨૪ લાખ પડાવી લેનાર ભરૃચના ભેજાબાજ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સયાજીગંજના અલંકાર ટાવરમાં રહેતા અને અલંકાર હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મો.સાયન આરિફભાઇ શેખે પોલીસને કહ્યું છે કે,માર્ચ-૨૦૨૩માં અમારી હોટલમાં મો.જકવાન યુસુફ દેલાવાલા (પારખેત,ભરૃચ) આવતાં તેની સાથે પરિચય થયો હતો.
દેલાવાલાએ પોતે વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી તે માસિક રૃ.૩૦હજાર ભાડું નક્કી કરી રહેવા આવ્યો હતો.આ દરમિયાન તેની સાથે મિત્રતા થઇ હતી.
જુલાઇ-૨૦૨૪માં રેલવેની ભરતી ની જાહેરાત આવતાં મો.જકવાનને વાત કરી હતી.જેથી તેણે ડાયરેક્ટ પૈસા આપીને નોકરી અપાવી દેવાની ખાતરી આપી મારી પાસે રૃ.૧.૯૫ લાખ પડાવ્યા હતા.આવી જ રીતે વારીસઅલી બાલીસાના પાસે રૃ.૩ લાખ, રમીઝમીયા મીર પાસે રૃ.૨.૨૦ લાખ અને મો.જુબેર શેખ પાસે રૃ.૩.૦૯ લાખ લીધા હતા.પરંતુ તેણે નોકરી અપાવી નથી કે રૃપિયા પણ પરત આપ્યા નથી.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.
મેડમ સાથે વાત થઇ છે,જોઇનિંગ લેટર તૈયાર છે…
રેલવેમાં નોકરી અપાવવાના નામે રૃપિયા પડાવનાર મો.જકવાનને રૃપિયા આપનાર યુવક જ્યારે પણ પૂછે ત્યારે કોઇને કોઇ બહાનું બતાવતો હતો.તે પ્રોસેસ ચાલુ છે…મેડમ સાથે વાત થઇ છે..જોઇનિંગ લેટર તૈયાર છે..મેડમ એક મહિના પછી આવશે એટલે કામ પતી જશે..જેવા બહાના બતાવતો હતો.તેણે ફરિયાદી મો.સાયનને પ્રતાપનગર રેલવેનું ફિટનેશ સર્ટિફિકેટ પણ આપ્યું હતું. જેથી પોલીસે ભેજાબાજે ડોક્યુમેન્ટ ક્યાં તૈયાર કર્યા અને તેની સાથે બીજા કોઇ સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.









