વાયડાપોળના લક્ષ્મીદાસે આઝાદી માટે ગાંધીગીરીની સાથે 26 ક્રાંતિવીરોને ઘરમાં રાખી બોમ્બ અને ભાંગફોડનું ભૂગર્ભ કેન્દ્ર ચલાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીવાદી યુવાનો આઝાદી માટે ઉગ્ર લડત આપવા તૈયાર થયા
વાડી ના યુવાનોએ ગાંધીગીરીની સાથે બોમ્બ સહિતની ભૂગર્ભ પ્રવૃત્તિ શરૃ કરી
વાયડાપોળના ૧૬વર્ષીય લક્ષ્મીદાસે મકાન આપી દીધું હતું,ભાંગફોડની યોજના બનતી હતી,૨૬ ક્રાંતિકારીઓ રહેતા હતા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
૧૫મી ઓગષ્ટની દેશભરમાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ટાંચા પ્રચાર માધ્યમો અને સોશ્યલ મીડિયાની ગેરહાજરીમાં કેવી રીતે આઝાદીના આંદોલનો ચાલતા હતા તેનું એક ઉદાહરણ વાડી વાયડા પોળના મકાનમાં ચાલતા ભૂગર્ભ પ્રવૃત્તિના એક મુખ્ય કેન્દ્ર પરથી જાણી શકાય છે.
લક્ષ્મીદાસ મોહનલાલ પટેલ દસ વર્ષની માસૂમ ઉંમરથી આઝાદીના રંગે રંગાયા હતા. તે સમયે સોશ્યલ મીડિયા નહતું એટલે રોજ પત્રિકા વાંચન થતું હતું.લક્ષ્મીદાસ અભ્યાસ છોડી હસ્તલિખિત પત્રિકાઓ ઘેર-ઘેર પહોંચાડી બાળકો સાથે ગાંધી કૂટિર બનાવીને તેમાં સ્વદેશી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હતા.
ત્રણ થી ચાર વર્ષ સુધીની શાંતિપૂર્ણ લડતથી લક્ષ્મીદાસની ધીરજ ખૂટી હતી અને તેમણે યુવાનોનું એક ગુ્રપ બનાવી જય પ્રકાશ નારાયણ,અરૃણા અસફઅલી વગેરેના સંપર્કમાં આવી ગાંધીવાદી કાર્યક્રમોની સાથે પોતાના મકાનમાં ભૂગર્ભ પ્રવૃત્તિનું કેન્દ્ર શરૃ કર્યું હતું,જેમાં ૨૬ ક્રાંતિકારીઓ રહેતા હતા,જ્યારેે ઘરની મહિલાઓ બધા માટે ભોજન બનાવતી હતી.
લક્ષ્મીદાસના પુત્ર નાગેન્દ્ર પટેલના કહ્યા પ્રમાણે, ભૂગર્ભ પ્રવૃત્તિમાં ચિઠ્ઠી કે મૌખિક સંદેશા મુજબ બોમ્બની સામગ્રી પહોંચાડવી,રેલવેના પાટા ઉખેડવા,થાંભલા તોડવા, વાયરો કાપવા જેવી ભાંગફોડનો સમાવેશ થતો હતો.આજે પણ અમે પિતાની આઝાદીની ચળવળના કેટલાક સાધનો અને રેંટિયો યાદગીરીરૃપે સાચવી રાખ્યા છે.તેમણે આઝાદી પછી ફરી અભ્યાસ શરૃ કરી એમ એ.એમએડ અને ડીજીએસની ડીગ્રી મેળવી હતી.શિક્ષક બન્યા પછી પણ છેલ્લે સુધી તેમણે સેવાકીય કાર્યો ચાલુ રાખ્યા હતા.ગુજરાત સરકારે પણ તેમના આઝાદીના યોગદાનને નવાજ્યું હતું.









