પચાસથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો ઉદ્યોગોએ ઘોડિયા ઘર રાખવું પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ન્યુ ઓએસએચ કોડ( ઓક્યુપેશનલ સેફટી એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ)ના ભાગરુપે ઉદ્યોગો માટે નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે.જેમ કે હવે ઉદ્યોગોમાં ૫૦થી વધારે કર્મચારીઓ કામ કરતા હશે તો ત્યાં ઘોડિયા ઘર રાખવું ફરજિયાત હશે.
નવા કાયદા અંગે ઉદ્યોગોના પ્રતિનિધિઓને જાણકારી મળે તે માટે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકારના ઈન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેકટર પીએમ શાહે જાણકારી આપતા કહ્યું હતું કે, હવે ૧૦૦ કે તેથી વધારે કર્મચારીઓ હશે તો ઉદ્યોગોએ કેન્ટીનની સુવિધા આપવી પડશે.તેની સાથે સાથે ઓવર ટાઈમની સમય મર્યાદા ત્રણ મહિનામાં ૭૫ કલાકથી વધારીને ૧૪૪ કલાક કરવામાં આવી છે.મહત્વના બદલાવના ભાગરુપે મહિલા કર્મચારીઓ પણ નાઈટ શિફટમાં ફરજ બજાવી શકશે.આ માટે તેમણે લેખિતમાં સંમતિ જ આપવાની રહેશે.ઉદ્યોગોએ તેમની સુરક્ષા માટેના ધારાધોરણોનું પાલન થાય તે જોવાનું રહેશે.તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષમાં એક વખત કર્મચારીનું મેડિકલ પરિક્ષણ પણ ઉદ્યોગોએ કરાવવુ પડશે.બીજી તરફ ઉદ્યોગોને રાહત આપતી એક જોગવાઈ એ પણ છે કે, ઉદ્યોગોને નવા કાયદાઓનું પાલન કરવા માટે ૩૦ દિવસ મળશે.૩૦ દિવસમાં તેમણે કાયદાનું પાલન કર્યાના પૂરાવા રજૂ કરવાના રહેશે.જો આ સમયગાળમાં તેઓ કાયદાનું પાલન નહીં કરે તો પછી તેમને બીજા ૩૦ દિવસની મુદત તેમને અપાશે પણ તેની સાથે વિલંબ બદલ નક્કી કરેલી રકમ ચૂકવવી પડશે.
ગુજરાતમાં ૫૦૦૦૦ ઉપરાંત ઉદ્યોગોને નવા કાયદા લાગુ પડશે
૨૦ થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય અને પાવરનો ઉપયોગ કરીને ઉત્પાદન થતું હોય તેવા, ૪૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય પણ પાવર વગર ઉત્પાદન કરતા હોય અને ૧૦થી વધુ અને ૨૦થી ઓછા કર્મચારીઓ હોય પણ જોખમી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તેવા ઉદ્યોગોને નવા નિયમો લાગુ પડશે.ઈન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેકટરનું કહેવું છે કે, ઉપરોક્ત ત્રણ કેટેગરીને ગણતરીમાં લેવામાં આવે તો ગુજરાતમાં ૫૦૦૦૦ ઉપરાંત ઉદ્યોગોને નવા કાયદા લાગુ પડશે.
ઉદ્યોગોમાં સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કરાશે
નવા કાયદાનું પાલન કરાવવા માટે આગામી દિવસોમાં સરકાર નવી યોજના પણ લાવવાની તૈયારી કરી રહી છે.જેના ભાગરુપે ઉદ્યોગો તમામ પ્રકારની જોગવાઈઓનું પાલન કર્યું છે તેવી ઓનલાઈન બાહેંધરી આપી શકશે.જ્યારે ઈન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગ દ્વારા આકસ્મિક ઈન્સ્પેક્શન પણ કરવામાં આવશે.




