વડોદરામાં લોકાર્પણ બાદ નેતાઓની ઈ-બસની મુસાફરી પર નેટીઝન્સની કોમેન્ટ્સ, 'બસમાં બેઠા છો તો રસ્તા ના ખાડા પણ જુઓ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરા શહેરમાં આજે વધુ 20 ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સહિત ધારાસભ્યો, મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય હોદ્દેદારો અને અધિકારીઓએ ઈ-બસમાં મુસાફરી કરી હતી. પ્રજાને બસ ટ્રેનમાં મુસાફરી કરવા સલાહ આપી અને મુસાફરી પૂરી થતાની સાથે જ તમામ પોતપોતાની અલગ કારમાં રવાના થઈ ગયા હતા. આ દરમિયાન સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર ઈ બસ અને સમગ્ર યોજનાની પ્રશંસા કરતી રીલ્સ પણ બનાવવામાં આવી હતી. જોકે, આ રીલ સોશિયલ મીડિયા પર મૂકાયા બાદ કેટલાક યુઝર્સે આ યોજનાને આવકારી હતી, જ્યારે કેટલાકે નેતાઓ અને અધિકારીઓને જ ટકોર કરી હતી.
સોશિયલ મીડિયા પર નેતાઓ ટ્રોલ
સોશિયલ મીડિયા પર એક યુઝર્સે કોમેન્ટમાં ટકોર કરતાં લખ્યું હતું કે, 'હવે આવી રીતે બસ અને ટ્રેનમાં જ મુસાફરી કરો, ભલે ટિકિટ લેતા નહીં, પરંતુ પેટ્રોલ-ડીઝલ તો બચાવો.' જ્યારે અન્ય યુઝર્સે કરી ટકોર કે, 'બસમાં બેઠા છો તો રસ્તા ના ખાડા પણ જુઓ', એક યુઝર્સ નેતાઓ અને અધિકારીઓની જાહેર પરિવહન વ્યવસ્થાના ઉપયોગ અંગે ટકોર કરી હતી અને હવે તેઓ પણ આ જ રીતે મુસાફરી કરે તેવી વાત કરી હતી.
ઈ બસની પ્રશંસા કરતી રીલ્સ પર આવેલી ટકોરભરી કેટલીક કોમેન્ટો સતત ડિલીટ કરવામાં આવી રહી હોવાની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં જોવા મળી હતી. જેના કારણે ઈ-બસ યોજના કરતાં વધુ નેતાઓ અને અધિકારીઓની જાહેર પરિવહન અંગેની વાસ્તવિક ભૂમિકા ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ ઈ-બસમાં મુસાફરી કરીને જાહેર પરિવહનના ઉપયોગનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નેતાઓ અને અધિકારીઓ અલગ-અલગ સરકારી કે ખાનગી વાહનોમાં જતા હોવાની બાબતને લઈને સવાલો ઊઠી રહ્યા છે.
વડાપ્રધાનની અપીલ બાદ પણ નેતાઓનું ‘કહેવું જુદું, કરવું જુદું’?
તાજેતરમાં સરદારધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. બને ત્યાં સુધી અલગ-અલગ વાહનોમાં જવાને બદલે એક જ વાહનમાં મુસાફરી કરવા પણ તેમણે સૂચન કર્યું હતું. આ સંદર્ભે ભાજપના આગેવાનો દ્વારા પણ જાહેર પરિવહન અને એકસાથે મુસાફરીના સંદેશને અમલમાં મૂકવાની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ વડોદરામાં ઈ-બસના લોકાર્પણ પ્રસંગે નેતાઓ અને અધિકારીઓએ બસમાં મુસાફરી કરીને યોજનાની પ્રશંસા કર્યા બાદ જો તેઓ ફરી અલગ-અલગ વાહનોમાં જ મુસાફરી કરતા જોવા મળે તો આ સમગ્ર અભિયાનના અમલ સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.
જાહેર પરિવહનના પ્રચાર માટે માત્ર એક દિવસ ઈ-બસમાં સફર કરવી કે પછી ખરેખર રોજિંદા જીવનમાં પણ તેનો ઉપયોગ કરવો તે મુદ્દે હવે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. ઈ બસ વધારવાની સાથે જો નેતાઓ, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પોતે પણ નિયમિત જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો લોકોમાં તેનો સકારાત્મક સંદેશ જાય તેમ છે. હાલ જોકે, ઈ-બસના લોકાર્પણથી શરૂ થયેલી સોશિયલ મીડિયા રીલ નેતાઓની જાહેર પરિવહન અંગેની ‘કથની અને કરણી’ વચ્ચેના અંતરને લઈને ચર્ચાનું કારણ બની છે.









