લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળાની સામે અકસ્માત : દારૂના નશામાં પૂરપાટ કાર ચાલકે કોર્પોરેશનના ટ્રેક્ટરને અડફેટે લીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરામાં દારૂના નશામાં વાહન ચલાવવાની વધુ એક ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળાની સામે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકાવવામાં આવી રહેલી કારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
અકસ્મતમાં કારને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ જયદીપ નિખિલ સેનગુપ્તા તરીકે થઈ છે, જે હરણી-મોટનાથ મહાદેવ રોડ પર આવેલા શુભમ ઇલાઇટમાં રહે છે. પોલીસ તપાસ દરમિયાન કારચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે રાવપુરા પોલીસે કારચાલક સામે મોટર વ્હીકલ એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંદાજે રૂ.1.35 લાખની કાર પણ કબજે કરી છે.
બે દિવસમાં નશામાં ડ્રાઇવિંગની બીજી ઘટના
વડોદરા શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ માંડવી દરવાજા પાસે ઈકો કારચાલક નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે લાલબાગ બ્રિજ પાસે નશામાં કાર ચલાવી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવતા ટ્રાફિક સલામતી અને પોલીસની નશાબંધી કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
માણેજા ગામમાં ભારદારી વાહનો સામે ગ્રામજનોનો વિરોધ
માણેજા ગામ ખાતે પણ બુધવારે રાત્રે ટ્રેલરે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ માણેજા ગામમાં અવારનવાર ભારદારી વાહનોને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. 20 દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં ગામનો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હજુ સારવાર હેઠળ છે. ગઈકાલે ફરી ઉભેલી કારને ટ્રેલરે અડફેટે લેતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ ભારદારી વાહનો સામે વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. કંપનીની ગાડીઓ કંપનીની હદમાં જ પાર્ક કરવાની તેમજ ગામમાંથી ભારદારી વાહનોની અવરજવર નિયંત્રિત કરવાની માંગ કરવામાં આવી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષ 2014થી સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ આજદિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી. હવે ગ્રામજનોએ માંગણીઓ નહીં સંતોષાય તો કંપની ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે.









