મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી-2027ની તૈયારી માટે ICC પ્રતિનિધિમંડળે BCA સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Women Champions Trophy 2027 : આગામી પ્રથમ આઈસીસી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી-2027ના આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના વૈશ્વિક પ્રતિનિધિમંડળે વડોદરા સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 14થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન થવાનું છે.
દુબઈ, ઓસ્ટ્રેલિયા અને યુકેથી આવેલા ICCના પ્રતિનિધિઓએ સ્ટેડિયમની માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓ માટેની વ્યવસ્થા, પ્રસારણ, પિચ અને મેદાન, મીડિયા સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા તથા મેચના સંચાલન માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન BCAના CEO સ્નેહલ પારીખે ICCના પ્રતિનિધિઓનો BCAની ટીમ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ BCAના પ્રમુખ પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ એસોસિએશનના વિકાસલક્ષી અભિગમ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટેડિયમના આધુનિક માળખાકીય વિકાસ અને આંતરરાષ્ટ્રીય મેચોના આયોજન માટેની ક્ષમતાઓ અંગે ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી.
પ્રસ્તુતિ બાદ ICC પ્રતિનિધિમંડળે સ્ટેડિયમના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પિચ અને આઉટફિલ્ડ, ખેલાડીઓના ડ્રેસિંગ રૂમ, પ્રસારણ વ્યવસ્થા, મીડિયા સુવિધાઓ, સુરક્ષા તથા દર્શકો અને ટીમોના પ્રવેશ-બહાર નીકળવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ICCના પિચ સલાહકાર ટોબી લમ્સડને પિચ અને આઉટફિલ્ડની પ્રશંસા કરી હતી. તેમણે ગેટ નંબર-2 પર દર્શકોની અવરજવર, કેટરિંગ અને પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થાને પણ નોંધપાત્ર ગણાવી હતી.
ICCના બ્રોડકાસ્ટ પ્રોડક્શન મેનેજર રુચિકા રાણાએ પ્રસારણની દૃષ્ટિએ સ્ટેડિયમની રચનાને અનુકૂળ ગણાવી હતી. બ્રોડકાસ્ટ ટીમ માટેની રસોડા અને ભોજન વ્યવસ્થા ઉપરાંત ડ્રોન અને સ્પાઇડરકેમના સંચાલન માટેની સુવિધાઓની પણ તેમણે પ્રશંસા કરી હતી.
ICC ઇવેન્ટ લીડ જો ટેલરે ખેલાડીઓના ડ્રેસિંગ રૂમની વ્યવસ્થાને સુઆયોજિત ગણાવી હતી. ખેલાડીઓની ગોપનીયતા વધુ જળવાય તે માટે કાચ પર લગાવવામાં આવેલી ફિલ્મની ઊંચાઈમાં થોડો વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
ICCના સુરક્ષા સલાહકાર ડોરિયન ક્લેરેન્સે ટ્રાફિક વ્યવસ્થાપન અને પ્રવેશ નિયંત્રણની વ્યવસ્થાને સુઆયોજિત ગણાવી હતી. ટીમો અને મેચ અધિકારીઓ માટે ગેટ નંબર-1 તથા દર્શકો માટે ગેટ નંબર-2થી અલગ પ્રવેશની વ્યવસ્થા અંગે પણ તેમણે નોંધ લીધી હતી.
મુલાકાત દરમિયાન ICCના પ્રતિનિધિમંડળે BCA સ્ટેડિયમની માળખાકીય સુવિધાઓ અને આયોજન વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. સાથે જ સ્ટેડિયમને વધુ સુસજ્જ બનાવવા માટે કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
BCA દ્વારા જણાવાયું છે કે આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી-2027 સહિત ભવિષ્યની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાઓના સફળ આયોજન માટે સ્ટેડિયમની માળખાકીય સુવિધાઓ અને આયોજન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.




