Baroda

વડોદરાના આજવા રોડ, ગાજરાવાડી રોડ સહિતના માર્ગો પર રાત્રે ઢોરનાં ટોળાંનો જમાવડો

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ વધતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. શહેરના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે ઢોરના ટોળાં અડિંગો જમાવી ઊભા રહે છે, જેનાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. કોર્પોરેશનની ઢોર ડબ્બા શાખાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે, કારણ કે બેદરકાર પશુપાલકો સામે કડક કાર્યવાહી થતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના આજવા રોડ, ગાજરાવાડી રોડ સહિતના માર્ગો પર રાત્રે ઢોરનાં ટોળાંનો જમાવડો

Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે. દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનાં ટોળેટોળાં અડિંગો જમાવીને ઊભાં રહેતાં હોવાથી અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ અને સુરક્ષા વિભાગ હસ્તકની ઢોર ડબ્બા શાખાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
શહેરના આજવા રોડ, ગાજરાવાડી રોડ, મહાવીર ચાર રસ્તા, ગધેડા માર્કેટ અને ગણેશનગર વિસ્તાર સહિતના 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગો પર રાત્રિના સમયે ઢોરનાં ટોળાં જોવા મળી રહ્યાં છે. કેટલાક માર્ગો પર ડિવાઇડર પર ઢોર ઊભાં રહેતાં હોય છે. રાત્રિના સમયે પૂરતી લાઇટ ન હોવાને કારણે અથવા લાઇટ બંધ હોવાને કારણે વાહનચાલકોને અંધારામાં ઢોર દેખાતાં નથી. પરિણામે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
બીજી તરફ, લોકો દ્વારા વધેલા ખોરાકનો એઠવાડ ડિવાઇડર પર નાખવામાં આવતો હોવાથી ઢોર ખોરાકની શોધમાં ડિવાઇડર પર પહોંચી જાય છે. આ સ્થિતિમાં ઢોર રસ્તા પર આવી જતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. તેમ છતાં જાહેર માર્ગો પર ઢોરને રખડતાં મૂકનારા બેદરકાર પશુપાલકો સામે પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. પશુપાલકો સામે માત્ર દેખાડા પૂરતા પોલીસ કેસ કરવામાં આવતા હોવાની પણ ચર્ચા છે.
જાહેર માર્ગો પર ઢોરને છૂટાં મૂકી દેવાની પશુપાલકોની બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આવા અકસ્માતોમાં ગંભીર ઇજા થવાની સાથે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આમ છતાં ઢોર ડબ્બા શાખા દ્વારા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
બીજી તરફ, ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકો દ્વારા કર્મચારીઓની ફરજમાં ઇરાદાપૂર્વક અવરોધ ઊભો કરવામાં આવતો હોવાની પણ સ્થિતિ છે. જાહેર માર્ગો પર ઢોરના ત્રાસ અને પશુપાલકોની બેદરકારી વચ્ચે વાહનચાલકોની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.