મુંબઇના વેપારી પાસે આંગડિયું કરાવી 45લાખની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશઃસૂત્રધાર નટવરલાલનું મોટું નેટવર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇના વેપારી પાસે દિલ્હીમાં આંગડિયું કરાવવાના નામે સોદો કર્યા બાદ દિલ્હીના બદલે આણંદની આંગડિયા પેઢીમાં રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લઇને ફરાર થઇ ગયેલી ગેંગનો આણંદ ટાઉન પોલીસે પર્દાફાશ કરી સૂત્રધાર નટવરલાલ અને વડોદરાના સાગરીતને કારમાંથી ઝડપી પાડયા છે.
મુંબઇના સ્ટીલના વેપારી નરેન્દ્ર શાહને દિલ્હીના વેપારીની ઓળખ આપી વાતોમાં ફસાવનાર નટવરલાલે રૃ.૪૫લાખ દિલ્હી ખાતે આંગડિયુ કરવા નક્કી કર્યું હતું. નટવરલાલે મુંબઇમાં રોકડ આપવાની લાલચ આપી વેપારીની જાણ બહાર દિલ્હીની રકમ આણંદની ગણેશ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
મુંબઇના વેપારી દિલ્હી મોકલેલી રકમના બદલામાં નટવરલાલ દ્વારા મોકલવામાં આવનારી રોકડની રાહ જોઇ રહ્યા હતા,પરંતુ નટવરલાલે તેનો ફોન બંધ કરી દીધો હોવાથી વેપારીને શંકા ગઇ હતી.તેમણે તપાસ કરી તો નટવરલાલે દિલ્હીમાં મેળવવાની રકમ આણંદના ગણેશ આંગડિયામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને દિનેશ નામનો માણસ રૃ.૧૦ની નોટ લઇને ૪૫લાખ લઇને રવાના પણ થઇ ગયો હોવાનું જાણવા મળતાં પોલીસ ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત બનાવ અંગે આણંદ ટાઉનના પીઆઇ કંડોરિયાએ ટીમો બનાવીને કારનંબર તેમજ સીસીટીવી ફૂટેજને આધારે વડોદરા તરફ જતી કારમાંથી અનિલ ઉર્ફે નટવરલાલ ચમનલાલ મથવાણી(શુભવિલા સો.,બદ્રખા, ધોળકા) અને અમિત શંકરલાલ ખત્રી (પરિમલ એવન્યૂ,અવધપુરી ટેનામેન્ટ, છાણી ટીપી-૧૩)ને ઝડપી પાડયા હતા.પૂછપરછ બાદ પોલીસે આંગડિયામાંથી રૃપિયા લઇ જનાર દિનેશ ઉર્ફે ચિરાગના નડિયાદના મકાનમાંથી રૃપિયા કબજે કર્યા હતા.આ ગુનામાં પોલીસે ફરાર થયેલા વડોદરાના પિયુષ ખત્રી અને દિનેશને શોધી રહી છે.
નટવરલાલ અને તેની ટોળકીએ સુરતમાં પણ આંગડિયા પાસે 37 લાખ ઠગી લીધાહતા
મુંબઇના વેપારી પાસે આંગડિયું કરાવીને રૃ.૪૫ લાખ ઠગી લેવાના કેસમાં પકડાયેલા નટવરલાલ ઉર્ફે અનિલ મથવાણી અને તેની ટોળકીએ સુરતમાં પણ આંગડિયા સાથે રૃ.૩૭ લાખની ઠગાઇ કરી હોવાની વિગતો જાણવા મળી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના સંચાલક આશિષભાઇ પટેલ સાથે છત્તીસગઠના વેપારી હરેશના નામથી વાત કરી વિશ્વાસ કેળવીને રૃ.૩૭ લાખની રકમ મેળવ્યા બાદ હરેશે તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો.
આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નટવરલાલ ઉર્ફે અનિલ મથવાણીનું અને વડોદરાના અમિત ખત્રીના નામ બહાર આવ્યા હતા.ટોળકીએ બીજા પણ શહેરોમાં આવી રીતે ઠગાઇ કર્યાની આશંકા સેવાઇ રહી છે.




