ઓડિશાના પૂર્વ સીએમ મારા કઝીન છે..તેમ કહી વડોદરાના વેપારી સાથે 32 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટનું ટ્રેડિંગ કરતા વેપારી સાથે દિલ્હીની કંપનીના એક જ પરિવારના ત્રણ ડિરેક્ટર્સ દ્વારા ઓડિશાના પૂર્વ સીએમનું નામ વટાવીને રૃ.૩૨.૬૪ લાખની ઠગાઇ કરવામાં આવી હોવાનો કિસ્સો બનતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
રેસકોર્સના નટુભાઇ સર્કલ પાસે મિરાજ એપાર્ટમેન્ટમાં વિશાલ ઇન્ડસ્ટ્રિઝ પેટ્રોકેમિકલ નામની ઓફિસ ધરાવતા વિશાલભાઇ વ્યાસ (સાંઇકૃપા સોસાયટી,પુરાણીની ખડકી, સાવલી)એ પોલીસને કહ્યું છે કે,મારે દિલ્હીના તપસ રંજન પટનાયક સાથે પરિચય થયા બાદ છ મહિના પહેલાં તેમણે તેમના પુત્ર આસુતોષની બર્થડે પાર્ટીમાં મને દિલ્હી બોલાવ્યો હતો.
ત્યારબાદ આસુતોષ પટનાયક સાથે ફોન પર વાત થતી હતી.તેણે ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયક મારા કઝીન છે તેમ કહી વોટ્સએપ પર ભારત સરકારના હેલ્થ એડવાઇઝરનું વિઝિટિંગ કાર્ડ પણ મોકલ્યું હતું અને બિઝનેસ કરવા માટે ઓફર કરી હતી.
વેપારીએ કહ્યું છે કે,આસુતોષે તેની પાસે ઇન્ડસ્ટ્રિઅલ ફ્યુઅલ ઓઇલનો મોટો જથ્થો કંડલા પાસે પડયો છે,તે ખરીદી લો, નુકસાન નહિ થાય..તેમ કહી રૃ.૩૨.૬૪ લાખનું બિલ મોકલ્યું હતું.તેણે એમ પણ કહ્યું હતું કે,પેમેન્ટ થશે એટલે તરત જ માલ મળી જશે.પરંતુ પેમેન્ટ કરવા છતાં માલ મોકલ્યો નથી અને ઉપરથી જોઇ લેવાની ધમકી આપી રહ્યો છે.જેથી પોલીસે દિલ્હીની ઝેડપીએસ ઓઇલ-ગેસ પ્રા.લિ.ના ડિરેક્ટર આસુતોષ પટનાયક, તેના પિતા તપસ રંજન પટનાયક અને માતા રંજીતા પટનાયક(સી-૫૩ પ્લોટ,શિવાલિક સાકેત,ન્યુ દિલ્હી)સામે ગુનો નોંધ્યો છે.









