બરોડા ડેરીમાં બળવાનો ડરઃએક તરફ ભાજપની સેન્સ પ્રક્રિયા,બીજીતરફ કેટલાક ડિરેક્ટરોને નોટિસ ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની આગામી તા.૪થી ઓગષ્ટે ચૂંટણી જાહેર થઇ છે.તમામ ડિરેક્ટરો ભાજપના હોવાથી આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી,તો બીજીતરફ વડોદરા જિલ્લાના ચાર ડિરેક્ટરને નોટિસ મળતાં ચકચાર વ્યાપી છે.
હાઇકોર્ટના આદેશ બાદ બરોડા ડેરીની માર્ચ-૨૦૨૬માં ચૂંટણી થતાં નવું બોર્ડ બન્યું છે ત્યારથી સરકાર સાથે કોઇને કોઇ કારણસર ઘર્ષણ ચાલી રહ્યું છે.નવાબોર્ડના તમામ ૧૩ ડિરેક્ટર્સ ભાજપના હોવા છતાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરવામાં આવતી નહતી.
હવે જ્યારે ચેરમેનની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે નિરીક્ષકો દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં તમામ ૧૩ ડિરેક્ટરો એક સાથે રજૂઆત કરવા ગયા હતા અને રિપીટ થીયરીનો મત આપ્યો હતો.આ ઉપરાંત વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યો,પ્રભારીઓ,ચૂંટાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ નિરીક્ષકો સમક્ષ હાજર રહ્યા હતા.
બીજીતરફ વડોદરા જિલ્લાના સાત ડિરેક્ટરોમાંથી ચાર ડિરેક્ટરને તેમની દૂધ મંડળીઓના વહીવટમાં ક્ષતિઓ દર્શાવતા ઓડિટ રિપોર્ટને આધારે સહકારી કાયદાની કલમ-૮૧ હેઠળ નોટિસ આપવામાં આવતાં રાજકીય મોરચે ચકચાર વ્યાપી છે.જેમાં બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ દિનુમામા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા,ભાજપના પૂર્વ જિલ્લા મહામંત્રી રાજુ અલવા અને ડભોઇના દીક્ષિત પટેલનો સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લાના ધારાસભ્યોનો વિરોધમાં સૂર,ડેરીમાં બળવાનો ડર
બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના મુદ્દે અગાઉ ડેરી સામે આંદોલન કરનાર સાવલીના ધારાસભ્ય સહિત વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો એક થઇ ગયા હોવાનું કહેવાય છે.આ ધારાસભ્યો વર્તમાન હોદ્દેદારોના વિરોધમાં સૂર ધરાવતા હોવાનું મનાય છે,જેથી વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી પહેલાં ડેરીમાં બળવાની આશંકાને પગલે ભાજપના પ્રદેશ હોદ્દેદારો માટે બરોડા ડેરીના ચેરમેનનો મુદ્દો પેચીદો બન્યો છે.









