Baroda

બટાકાના ઘટતા ભાવથી ખેડૂતો પર સંકટ : સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા તાલુકા ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી, બટાકાના ઘટતા ભાવ અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ રજૂ કરી છે. ચાલુ વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થતા ભાવ ગગડ્યા છે. કોલ્ડ સ્ટોરેજો ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી. કિસાન સંઘે તાત્કાલિક રાહત પેકેજ, લઘુત્તમ ટેકાના ભાવ અને સરકારી ખરીદીની માંગ કરી છે. 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બટાકાના ઘટતા ભાવથી ખેડૂતો પર સંકટ : સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ

Vadodara News : વડોદરા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા બટાકાના ઘટતા ભાવ અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બટાકાના વધેલા ઉત્પાદનને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘના જણાવ્યા મુજબ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલુ વર્ષે બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ઉત્પાદન વધવાને કારણે રાજ્યના કોલ્ડ સ્ટોરેજો લગભગ સંપૂર્ણ ભરાઈ ગયા છે. બીજી તરફ બજારમાં માંગની સરખામણીએ પુરવઠો વધુ હોવાથી બટાકાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. પરિણામે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ જેટલો પણ ભાવ ન મળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી, સિંચાઈ અને વીજળી પાછળ મોટો ખર્ચ કર્યો છે. જોકે હાલના બજારભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા હોવાનું જણાવી કિસાન સંઘે ખેડૂતો માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
કિસાન સંઘે સરકારને ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. જો માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા જિલ્લાના ખેડૂતો દ્વારા આગામી 10 દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ
કિસાન સંઘ દ્વારા બટાકા માટે સહાયકારી અથવા ન્યૂનતમ આધારભૂત ભાવ જાહેર કરવા, કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સહાય અથવા સબસિડી આપવા તથા નાફેડ, માર્કફેડ કે અન્ય સરકારી એજન્સીઓ મારફતે બટાકાની ખરીદી શરૂ કરવાની માંગ કરાઈ છે.
આ ઉપરાંત બટાકાના નિકાસ માટે વિશેષ પ્રોત્સાહન, ચિપ્સ-વેફર સહિતના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ખેડૂતો પાસેથી સીધી ખરીદી વધારવા તેમજ ખેડૂતોને વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજદરની ટૂંકાગાળાની રાહત લોન આપવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોના અન્ય પ્રશ્નો પણ ઉઠાવ્યા
બટાકાના ભાવ ઉપરાંત ખેડૂતોને પડતી અન્ય મુશ્કેલીઓનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોને ટ્રોલી પાર્સિંગમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ વડોદરા શહેરનું સરનામું આધારકાર્ડમાં દર્શાવાતું હોવાથી નવા ટ્રેક્ટરની ખરીદી વખતે VMC ટેક્સ વસૂલવામાં આવે છે, જેને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે. નવા ટ્રેક્ટરને આધુનિક ગાડાનો દરજ્જો આપવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે.