Baroda

ઇમરજન્સી સેવાનો દિવાળીની સફાઇ માટે દુરુપયોગ દેવગઢ બારિયા ફાયર બ્રિગેડે પૂર્વ મંત્રી બચુ ખાબડના ઘરની બહાર સફાઇ કરી

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના વાહનનો પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના ધાનપુર-પીપેરો સ્થિત ઘરની સફાઈ માટે ઉપયોગ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. દિવાળી પૂર્વે 25 કિલોમીટર દૂર તેમના વૈભવી નિવાસસ્થાનને સાફ કરવા ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી વાહન મોકલાયું હતું. જોકે, આ માટે 2700 રૂપિયાનો સરકારી ચાર્જ વસૂલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇમરજન્સી સેવાનો દિવાળીની સફાઇ માટે દુરુપયોગ દેવગઢ બારિયા ફાયર બ્રિગેડે પૂર્વ મંત્રી બચુ ખાબડના ઘરની બહાર સફાઇ કરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઇમરજન્સી વાહનનો અંગત સફાઇ માટે ઉપયોગ થતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને બચુભાઈ ખાબડના ધાનપુર-પીપેરો વિસ્તારમાં આવેલા ઘરની દિવાળી પહેલા સફાઈ માટે ફાયર બ્રિગેડનું વાહન મોકલવામાં આવ્યું હતું.
દેવગઢ બારીયા તાલુકાના કરોડો રૃપિયાના મહા કૌભાંડ બાદ તત્કાલીન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રોની આરોપીઓ તરીકે સંડોવણીઓ બહાર આવતા રાજ્યના નવા મંત્રીમંડળની રચનામાં બચુભાઈ ખાબડને મંત્રીપદેથી પડતા મૂકાયા હતાં. પરંતુ દેવગઢ બારીયા નગરપાલિકામા આજે પણ બચુ ખાબડ કહે તે પ્રમાણે કામો થતા હોય છે.
દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના માદરે વતન પીપેરો ખાતે આવેલું વૈભવી નિવાસસ્થાન દિવાળીના તહેવારો પૂર્વે સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે દેવગઢ બારીયા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પોતાની ફરજોના કાર્યક્ષેત્રની મર્યાદાઓ ઓળંગીને ધાનપુર તાલુકાના પીપેરો ગામે ૨૫ કિલોમીટર દૂર પહોંચી જઈને બચુ ખાબડના વૈભવી મકાનને પાણીના ફુવારા સાથે સાફ સફાઈ કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.
જે ફાયર બ્રિગેડ આગ કે કુદરતી આપત્તિ સમયે સામાન્ય નાગરિકોનો જીવ બચાવવા માટે સતત ખડેપગે હોવી જોઈએ, તે જ ઈમરજન્સી સેવા આજે વિશિષ્ટ નેતાઓની ખાનગી સેવામાં જોતરાઈ છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈશકાય છે કે ફાયર બ્રિગેડના હાઈ-પ્રેશર સાધનો, સરકારી પાણી અને પાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરીને પૂર્વ મંત્રીના ઘરની બહાર સફાઈ કરવામાં આવી રહી છે.

પ્રમુખ અને ચીફ ઓફિસરની સુચના બાદ ગાડીઓ મોકલાઇ

ફાયર બ્રિગેડના ઉપયોગમાં ડીઝલ, પાણી, કર્મચારીઓનો સમય અને મશીનરીનો જાહેર નાણાંનો ખર્ચ થાય છે. ફાયર ઓફિસર મયુર ચૌહાણે જણાવ્યું કે, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાની સૂચના મળ્યા બાદ જ ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે ઘર ધોવા માટે કોઈ નિયમ નથી. જોકે, કામગીરી બાદ પ્રતિ કિલોમીટર ૪૫ રૃપિયા લેખે કુલ રૃા.૨૭૦૦ સરકારી ચાર્જ જમા લેવાયો હતો. ઇમરજન્સી વાહનનો અંગત સફાઈ માટે ઉપયોગ થતા લોકોમાં ચર્ચા છે.