આઠ દિવસના બાળકની કિંમત માત્ર 3 લાખ...મુંબઇના ડોક્ટરે ડીલ કરીઃ વડોદરા DCB એ ગેંગ પકડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કરી આઠ દિવસના નવજાત શિશુને માત્ર રૃ.૩ લાખમાં મુંબઇના ડોક્ટરને વેચવા માટે નીકળેલા સિધ્ધપુરના દંપતીને દબોચી લઇ બાળકને સિવિલ હોસ્પિટલમાં મૂકાવ્યું છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર એન બારૈયાને બે દિવસ પહેલાં તા.૨૮ મીએ રાત્રે નવેક વાગ્યે એક ગુપ્ત માહિતી મળી હતી અને તેમાં ડભોઇરોડ-તરસાલી રોડ વચ્ચેની લિજેન્ડ હોટલની બહાર એક દંપતી બાળકનો સોદો કરવા માટે આવ્યું હોવાની વિગતો જણાવી હતી.તેઓ તરત જ ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને મનોજ કેશાભાઇ રાવળ અને વીણા મનોજ રાવળ (ચાટાવાડા,સિધ્ધપુર,પાટણ મૂળ સતલાસણ, મહેસાણા)ને બાળક સાથે પકડયા હતા.
પોલીસ સ્ટેશનમાં પીઆઇ સંજય ગામેતી અને ડી જે ચૂડાસમા સહિતના અધિકારીઓએ દંપતીની પૂછપરછ કરતાં બાળ તસ્કરીનો ભાંડો ફૂટયો હતો.મનોજને તેના સાળા સુનિલ ધૂળા રાવળે રૃ.૨૦ હજારના કમિશનમાં બાળકને મુંબઇના ડોક્ટરને પહોંચાડવાની સોપારી આપી હતી.
વધુ તપાસ દરમિયાન સુનિલ રાવળને નગીન નામનો એક દલાલ તા.૨૭મીએ બપોરે નવજાત શિશુને તેના માતા-પિતા સાથે આવીને રૃ.૨ લાખમાં સોદો કરીને આપી ગયો હોવાની અને તેના બદલામાં નગીનને રૃ.૧૦ હજાર કમિશન નક્કી કરાયું હોવાની વિગતો બહાર આવી હતી.જેથી પોલીસે બાળકનું આરોગ્ય જળવાય તે માટે તરત જ સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યું છે અને મુંબઇના ડોક્ટરને બાળક આપવા નીકળેલી દંપતી સહિતની ગેંગની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે મોડી સાંજે મનોજના સાળા સુનિલ રાવળને પણ ઝડપી પાડયો છે.
ક્યા આરોપીની કઇ ભૂમિકા..અને કેટલું કમિશન
બાળ તસ્કરીના પકડાયેલા નેટવર્ક બાબતે ક્રાઇમ બ્રાન્ચે જેની સામે ગુનો નોંધ્યો છે તેમના નામો અને અન્ય વિગતો આ મુજબ છે.
(1) સુનિળ ધૂળા રાવળ ચાટાવાડા ગામ,સિધ્ધપુર,પાટણ-બાળકનો સોદો કરનાર- રું. ૨૦,૦૦૦ કમિશન
(2) મનોજ કેશા રાવળ (રહે.ઉપર મુજબ અને સતલાસણ,મહેસાણા)- બાળકને મુંબઇ લઇજનાર- સુનિલનો બનેવી છે.
(3) વીણા મનોજ રાવળ ઉપર મુજબ ઉપર મુજબ(સુનિલની બહેન)
(4) નગીન - બાળકના માતા-પિતાને સુનિલનો સંપર્ક કરાવી બાળક આપી દેનાર-રુ.10000 કમિશન
(5) બાળકના માતા-પિતા (જેના નામઃઠામ નથી)- બાળકને વેચી દેવા માટે રુ. ૨ લાખમાં સોદો નક્કી કર્યો
(6) મુંબઇનો ડોક્ટર-રુ.3 લાખમાં બાળક ખરીદવાનું નક્કી કર્યું હતું
(7) શ્રવણ પારઘી - ડોક્ટરનો દલાલ
બાળ તસ્કરીની ટોળકીએ કેટલા સોદા કર્યા તેની તપાસ માટે ત્રણ ટીમો કામે લાગી
બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયા બાદ આ ટોળકીનું નેટવર્ક જાણવા માટે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૃ કરી છે.
બાળ તસ્કરી કરતી ગેંગમાં મુંબઇના ડોક્ટર તેમજ નવજાત શિશુનો સોદો કરાવવામાં વચ્ચે રહેલો દલાલ શ્રવણ મુખ્ય આરોપી છે.આ ઉપરાંત બાળકના માતા- પિતાનો સંપર્ક કરી તેમને બાળક વેચવા તૈયાર કરનાર નગીનની પણ ભૂમિકા તપાસનો વિષય બની છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી એ બાળ તસ્કરીના નેટવર્કનો ભેદ ઉકેલવા માટે જુદીજુદી ત્રણ ટીમો બનાવી છે.આ કાંડમાં બંને દલાલ અને ડોક્ટર પકડાય તો મોટો ખુલાસો થાય તેમ છે.
બાળકને લઇ મુંબઇ જવા નીકળેલા દંપતીને ડોક્ટરે કહ્યું,હું કહું ત્યાં ઊતરી જજો
મુંબઇના ડોક્ટર તરીકે વાત કરનાર મુખ્ય સૂત્રધારના મોબાઇલ નંબરને આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૃ કરી છે.
સિધ્ધપુરથી તા.૨૮મીએ સાંજે સાડા ચારેક વાગ્યે બાળકને લઇ મુંબઇ જવા નીકળેલા મનોજ રાવળ અને મીના રાવળને તેના સાળા સુનિલ રાવળે મુંબઇના એક ડોક્ટરનો મોાબાઇલ નંબર આપ્યો હતો. સુનિલે કહ્યું હતું કે,તમે ઇન્ટરનેટ ચાલુ રાખજો, મુંબઇના ડોક્ટરનો ગમે ત્યારે ફોન આવશે.
દંપતી બાળકને લઇ વડોદરા આવ્યું ત્યારે ૮.૩૦ વાગ્યાના અરસામાં ડોક્ટરનો ફોન આવ્યો હતો અને તમે કેટલા વાગ્યે પહોંચશો તેમ ગુજરાતીમાં પૂછ્યું હતું.દંપતીએ સવારે પ-૬ વાગશે તેમ કહેતાં ડોક્ટરે હું કહું ત્યાં ઊતરજો તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.









