Baroda

રાષ્ટ્રપતિના પ્રોટોકોલના કારણે MSUના કોન્વોકેશનની પરંપરા બદલાશે, દ્રૌપદી મુર્મુ માત્ર 30 ગોલ્ડ મેડલ એનાયત કરશે

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીનો 25મો પદવીદાન સમારોહ 23 સપ્ટેમ્બરે સવારે 11:30 વાગ્યે કોન્વોકેશન ગ્રાઉન્ડ પર યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, પરંતુ પ્રોટોકોલને કારણે પરંપરાઓમાં મોટા ફેરફારો થયા છે. 161 વિદ્યાર્થીઓને 202 ગોલ્ડ મેડલ અપાશે, જેમાંથી 30 જ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રપતિના પ્રોટોકોલના કારણે MSUના કોન્વોકેશનની પરંપરા બદલાશે, દ્રૌપદી મુર્મુ માત્ર 30 ગોલ્ડ મેડલ એનાયત કરશે

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહની પરંપરાઓમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલના કારણે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. તા.23 સપ્ટેમ્બરે યુનિવર્સિટીનો 25મો પદવીદાન સમારોહ કોન્વોકેશન ગ્રાઉન્ડ પર યોજાશે. જેનો પ્રારંભ સવારે 11-30 વાગ્યાથી થશે. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહેશે. જોકે સત્તાધીશો માટે સમારોહની તૈયારીઓ રાષ્ટ્રપતિના પ્રોટોકોલના કારણે માથાના દુખાવા સમાન બની ગઈ છે.
મળતી જાણકારી અનુસાર સમારોહમાં 161 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને 202 ગોલ્ડ મેડલ એનાયત થનારા છે. સામાન્ય રીતે મુખ્ય અતિથિના હસ્તે જ ગોલ્ડ મેડલ એનાયત થતા હોય છે. પરંતુ રાષ્ટ્રપતિએ સમારોહ માટે એક કલાક જ ફાળવ્યો હોવાથી દ્રૌપદી મુર્મુના હસ્તે 30 જ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન બાદ રાષ્ટ્રપતિ રવાના થઈ જશે. સ્ટેજ પર બેઠેલા રાજ્યપાલ, રાજ્ય સરકારના બે મંત્રીઓ, ચાન્સેલર, વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર તેમને વિદાય આપવા માટે જશે અને તેના કારણે સમારોહમાં પંદરથી વીસ મિનિટનો બ્રેક પડશે. એ પછી બાકીના ગોલ્ડ મેડલનું વિતરણ કરવામાં આવશે.
મળતી જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિ સમારોહની શરુઆતમાં થનારા પ્રોસેસનમાં પણ ભાગ લેશે. સાથે-સાથે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સાથે ગ્રુપ ફોટો પડાવશે. જોકે સમારોહના અંતેના પ્રોસેસનમાં રાષ્ટ્રપતિ નહીં હોય. એક જ સ્મૃતિ ચિન્હ આપવું,
રાષ્ટ્રપતિ કાર્યાલયે 10 પેજ ભરીને સૂચનાઓ મોકલી
રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી પ્રોટોકોલના ભાગરૂપે યુનિવર્સિટી સત્તાધીશોને કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવી તે માટે 10 પેજ ભરીને સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિની બેઠક વ્યવસ્થા કેવી રહેશે, ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સ્ટેજ પર ગોલ્ડ મેડલ સ્વીકારવા માટે ક્ઈ તરફથી આવશે જેવી ઝીણી, ઝીણી બાબતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ કયું પાણી પીએ છે અને કયા પ્રકારનું ભોજન પસંદ કરે છે તેનો પણ આ સૂચનાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે રાષ્ટ્રપતિને સ્ટેજ પર માત્ર એક જ સ્મૃતિ ચિન્હ આપવું તેવી પણ ટકોર કરવામાં આવી છે.
બે વર્ષ પહેલા યોજાયેલા સમારોહમાં યુનિ.ની આબરૂના ધજાગરા કરાયા હતા
બે વર્ષ અગાઉ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તે વખતે સમારોહની ગરિમા અને પરંપરાના ધજાગરા ઉડયા હતા. માત્ર 800ની ક્ષમતાવાળા સયાજીનગર ગૃહમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં પ્રવેશ માટે થયેલી ધક્કામુક્કીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જ રઝળી પડયા હતા. સમારોહમાં અમિત શાહ થોડા ગોલ્ડ મેડલ આપીને રાજવી પરિવાર દ્વારા રાજમહેલ ખાતે યોજાયેલા ડિનર માટે નીકળી ગયા હતા અને તેમની પાછળ ચાન્સેલર, વાઈસ ચાન્સલેર અને રજિસ્ટ્રાર પણ નીકળી ગયા હતા. જેના કારણે સ્ટેજ પર વિદ્યાર્થીઓને કોઈ ગોલ્ડ મેડલ આપનાર બચ્યું નહોતું. આમ યુનિવર્સિટીની આબરુના ધજાગરા થઈ ગયા હતા. છેવટે ફેકલ્ટી ડીનોએ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા હતા.

સમારોહનો ખર્ચ અનેકગણો વધી જશે

વરસાદની શક્યતાઓને ગણતરીમાં લઈને યુનિવર્સિટી સત્તાધીશોએ સમારોહ માટે વોટર પ્રૂફ ડોમ બનાવ્યો છે. ઉપરાંત પ્રોટોકોલના પાલનના કારણે આ વખતે

પદવીદાન સમારોહનો ખર્ચ અનેકગણો વધી જવાની શકયતા છે. આ વખતે 20 લાખ રૂપિયા કરતા વધારે ખર્ચ થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.