નિઝામપુરાની ભવાનીપુરા સોસાયટીમાં પાણી કનેક્શન મુદ્દે 3 દિવસથી વિવાદ : સ્થાનિક રહીશોનો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ભવાનીપુરા સોસાયટીમાં પાણીની લાઈનના જોડાણને લઈને છેલ્લા ત્રણ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, હાલ કોર્પોરેશનની છ ઇંચની પાણીની લાઈનમાંથી સોસાયટીના આશરે 100 મકાનોને પૂરતું પાણી મળતું નથી. આવી સ્થિતિમાં સોસાયટીની મુખ્ય લાઈનમાં વચ્ચેના ભાગેથી ચાર મકાનો માટે ચાર ઇંચની લાઈનનું જોડાણ કરવામાં આવતા પાણીની સમસ્યા વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
સોસાયટીના ચાર મકાનો મુખ્ય માર્ગ તરફ આવેલા છે. આ મકાનો માટે કોર્પોરેશન દ્વારા સોસાયટીની મુખ્ય છ ઇંચની પાણીની લાઈનમાંથી જોડાણ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે ખાડો ખોદીને ચાર ઇંચની લાઈન જોડવામાં આવી રહી હોવાનું રહીશોનું કહેવું છે.
રહીશોના જણાવ્યા મુજબ, સોસાયટીની છ ઇંચની મુખ્ય લાઈનમાંથી જ હાલ 100 મકાનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. તેમાં પણ લાઈનના અધવચ્ચેથી ચાર ઇંચનું વધુ જોડાણ આપવામાં આવશે તો સોસાયટીના છેવાડાના ભાગમાં આવેલા મકાનો સુધી પૂરતા દબાણ સાથે પાણી પહોંચશે નહીં. પરિણામે હાલ ચાલી રહેલો પાણીનો કકળાટ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
રહીશોએ માંગ કરી છે કે ચાર મકાનો માટે પાણીનું જોડાણ આપવું હોય તો સોસાયટીની મુખ્ય લાઈનના હાલના છેડા તરફથી જ જોડાણ કરવામાં આવે, જેથી સોસાયટીના અન્ય મકાનોના પાણીના પુરવઠાને અસર ન થાય. સોસાયટીની લાઈનના અધવચ્ચેથી જોડાણ ન આપવામાં આવે અને તમામ 100 મકાનોને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પાણીના જોડાણને લઈને છેલ્લા ત્રણ દિવસથી વિવાદ ચાલી રહ્યો હોવા છતાં હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે સોસાયટીના રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.




