સમૃદ્ધ જીવનના કરોડોના કૌભાંડમાં ડાયરેક્ટર વિશાલ ચૌધરીની ધરપકડઃ 3 દિવસના રિમાન્ડ મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: ઉંચા વળતરની લાલચ આપી હજારો રોકાણકારો પાસે રોકાણ કરાવી કરોડોનું કૌભાંડ આચરવાના બનાવમાં સંડોવાયેલા સમૃદ્ધ મલ્ટી સ્ટેટ પર્પઝ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના ડાયરેક્ટર વિશાલ ચૌધરીની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. આજે આરોપીને અદાલતમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કેસની વિગત એવી છે કે, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017 માં જિતેન્દ્રકુમાર સોની દ્વારા સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના ચેરમેન મહેશ મોતેવાર સહિત 9 હોદ્દેદારો સામે રૂ. 1.66 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન અન્ય ભોગ બનનારાઓ ઉમેરાતા કુલ ઠગાઈનો આંકડો રૂા.5.03 કરોડ કરતા પણ વધી ગયો હતો. આ મલ્ટી સ્ટેટ કૌભાંડમાં ગુજરાત સહિત દેશભરના લાખો રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવી નાણાં ઓળવી જવામાં આવ્યા હતા.
આ કૌભાંડમાં અગાઉ મુખ્ય સૂત્રધાર મહેશ મોતેવાર સહિત 7 આરોપીઓની ધરપકડ થઇ હતી, જ્યારે આ કેસમાં વર્ષ 2017થી નાસતા ફરતા આરોપી વિશાલ ચૌધરીનો સી.આઈ.ડી. ક્રાઈમે ગઇકાલે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો હતો અને આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાનડની માંગણી કરી હતી. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી વર્ષ 2012 થી વર્ષ 2019 સુધી કંપનીમાં ડાયરેક્ટર તરીકે સક્રિય હતો. રોકાણકારો પાસેથી મેળવેલી મોટી રકમ ક્યાં સગેવગે કરાઈ, અને સોસાયટી દ્વારા ખરીદાયેલી સ્થાવર-જંગમ મિલકતો તેમજ બેંક ટ્રાન્ઝેકશનનું ક્રોસ વેરીફિકેશન કરવું ખુબ જ જરૂરી છે.
આ ઉપરાંત, આરોપી સમૃદ્ધ જીવન ઉપરાંત અન્ય સહયોગી કંપનીઓમાં ડાયરેક્ટર હોવાથી આ કંપનીઓ મારફતે મેળવેલા આર્થિક લાભો અંગે પૂછપરછ કરવાની છે. આરોપી સામે મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગુના નોંધાયેલા છે, જેથી આંતરરાજ્ય નેટવર્કની તપાસ કરવી જરૂરી છે. ન્યાયાધીશે આરોપીના તા.11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગુજરાતના 50 હજાર અને દેશના 4 લાખ રોકાણકારો ભોગ બન્યા
સમૃદ્ધ જીવન સોસાયટીનું કાર્યક્ષેત્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર,ગોવા સહિતના 10થી વધુ રાજ્યોમાં વિસ્તરેલું હતું અને દેશભરમાં 4 લાખથી વધુ રોકાણકારો નોંધાયા હતા. એકલા ગુજરાતમાં જ અલકાપુરી વડોદરા બ્રાન્ચ સહિત કુલ 40 શાખાઓ કાર્યરત હતી, જેમાં રાજ્યના પચાસ હજારથી વધુ નિર્દોષ રોકાણકારોએ પોતાની જિંદગીભરની કમાણી ગુમાવી છે. આ કેસમાં મોટાભાગના ભોગ બનનાર સીનિયર સીટીઝન છે.




