દિવાળી-છઠ માટે 15થી 20 દિવસ અગાઉ સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવા માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway : વડોદરા સહિત ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોની દિવાળી અને છઠ પૂજા દરમિયાન વતન જવાની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનોની અગાઉથી જાહેરાત કરવામાં આવે તેવી માંગ પશ્ચિમ રેલવે સમક્ષ કરવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવે પેસેન્જર્સ એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન, ગુજરાત-વડોદરા દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને જણાવ્યું છે કે વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ઉત્તર પ્રદેશ અને બિહારના મોટી સંખ્યામાં શ્રમિકો અને કામદારો વસવાટ કરે છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન તેઓ પરિવાર સાથે વતન જવા માટે મોટી સંખ્યામાં રેલવેનો ઉપયોગ કરે છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે તહેવારોની સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત તહેવારના માત્ર બે-ચાર દિવસ અગાઉ કરવામાં આવે છે. તેના કારણે મુસાફરોને મુસાફરીનું આયોજન કરવામાં મુશ્કેલી પડે છે. આથી અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સ્ટેશનથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ દોડાવવામાં આવતી દિવાળી તથા છઠ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત ઓછામાં ઓછા 15થી 20 દિવસ અગાઉ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં ખાસ કરીને સ્પેશિયલ ટ્રેનોમાં વધુમાં વધુ જનરલ શ્રેણીના કોચ રાખવાની માંગ કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, મોટી સંખ્યામાં શ્રમિકો સામાન્ય ટિકિટ લઈને મુસાફરી કરતા હોવાથી જનરલ કોચની સંખ્યા વધારવામાં આવે તો તેમને મુસાફરીમાં સરળતા રહે.
દિવાળીના વેકેશન દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે. આથી વડોદરાથી હરિદ્વાર, માતા વૈષ્ણો દેવી-કટરા, મથુરા, વારાણસી અને ચંદીગઢ માટે પણ દિવાળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ રેલવે પ્રશાસનને રજૂઆત કરી તહેવારો દરમિયાન વધતા મુસાફર ભારને ધ્યાનમાં રાખીને અગાઉથી આયોજન કરવા અને મુસાફરોને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.




