વડોદરા કોર્પોરેશનની સમિતિઓની રચનામાં વિલંબથી કાઉન્સિલરોના આઈકાર્ડથી ડાયરી સુધીની કામગીરી અટવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા બોર્ડની રચના થઈ હોવા છતાં અલગ અલગ મહત્વની સમિતિઓના ગઠનમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. હજુ સુધી વિવિધ સમિતિઓમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે કાઉન્સિલરો સાથે સંકળાયેલી વહીવટી કામગીરી પણ અટવાઈ રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાપાત્ર સુવિધાઓ માટે પણ રાહ જોવી પડી રહી છે.
સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાકી હોવાથી કાઉન્સિલરોના આઈકાર્ડનું કામ પણ પૂર્ણ થયું નથી. હાલ માત્ર આઈકાર્ડના સેમ્પલ તૈયાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમિતિઓના હોદ્દેદારોની નિમણૂક બાદ આઈકાર્ડમાં જરૂરી સુધારા કરવાની શક્યતા હોવાથી અંતિમ આઈકાર્ડ બનાવવાની કામગીરી અટકાવવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્સિલરોના લેટર પણ તૈયાર થઈ શક્યા નથી.
નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યા બાદ પણ લાંબો સમય પસાર થઈ ગયો છે, છતાં કોર્પોરેશનની ડાયરી હજુ ઉપલબ્ધ થઈ નથી. કોર્પોરેશનની ડાયરીમાં અધિકારીઓ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારોની મહત્વની માહિતી અને સંપર્ક નંબરો આપવામાં આવતા હોય છે. નવા બોર્ડના હોદ્દેદારો અને સમિતિઓની રચના પૂર્ણ ન થતાં ડાયરીનું પ્રકાશન પણ અટવાયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પ્રજાલક્ષી અને મહત્વની બાબતો સાથે સંકળાયેલી સમિતિઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જોકે, નવા બોર્ડની રચના બાદ હજુ સુધી આ સમિતિઓમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ન થતાં કામગીરીનું માળખું સંપૂર્ણ રીતે કાર્યરત થઈ શક્યું નથી. ચૂંટણી બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં સમિતિઓનું ગઠન અધૂરું રહેતાં વહીવટી અને પ્રજાલક્ષી કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા બોર્ડની રચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાયા બાદ શોકદર્શક ઠરાવ કરી સભા મુલતવી રાખવાની ઘટનાઓ સામે આવી છે. વારંવાર સભા મુલતવી રાખવામાં આવતા પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા અને નિર્ણયો પણ વિલંબિત થઈ રહ્યા હોવાની ફરિયાદો છે. વિપક્ષ દ્વારા સભા મુલતવી રાખવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવવાની તક અટકાવવા માટે પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે સમિતિઓની રચના ઝડપથી પૂર્ણ કરી કાઉન્સિલરો સાથે સંકળાયેલી કામગીરી અને પ્રજાલક્ષી નિર્ણયો માટેનું તંત્ર સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.









