Baroda

નિર્ણય બદલાયો, આર્ટસ, કોમર્સ અને સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે

By GS Team
14 Sep 20263 mins read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીના 75મા પદવીદાન સમારોહની તૈયારીઓ વચ્ચે, સત્તાધીશોએ ઓનર્સ અભ્યાસક્રમોમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ ન આપવાનો નિર્ણય બદલ્યો છે. હવે આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ ગોલ્ડ મેડલ મળશે. આ નિર્ણયથી મેડલની સંખ્યા વધશે. ઉપરાંત, 25 વર્ષથી જૂના ગોલ્ડ મેડલ બંધ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિર્ણય બદલાયો, આર્ટસ, કોમર્સ અને સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે

એમ.એસ.યુનિવર્સિટીના તા.૨૩ સપ્ટેમ્બરે યોજાનારા ૭૫મા પદવીદાન સમારોહના આયોજનની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સત્તાધીશોએ ઓનર્સ અભ્યાસક્રમોમાં ત્રીજા વર્ષમાં પાસ થનારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ નહીં આપવાનો નિર્ણય બદલ્યો છે.
અગાઉના નિર્ણય પ્રમાણે પદવીદાન સમારોહમાં કોમર્સ, આર્ટસ અને સાયન્સમાં ત્રીજુ વર્ષ પાસ કરનારા વિદ્યાર્થીઓની ગોલ્ડ મેડલમાંથી બાદબાકી થઈ ગઈ હતી.કારણકે સત્તાધીશોએ આ ગોલ્ડ મેડલ ચોથા વર્ષમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યું હતું.જેના કારણે આ વખતે એનાયત થનારા ગોલ્ડ મેડલની સંખ્યા ઘટીને ૨૧૦ થઈ હતી.
જોકે આ બાબતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પણ કચવાટ થયો હોવાના કારણે સત્તાધીશોએ પોતાનો નિર્ણય બદલ્યો છે.રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, હવે આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં જે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરીને ડિગ્રી મેળવવા માગતા હશે અને ચોથા વર્ષમાં અભ્યાસ નહીં કરવા ઈચ્છતા હોય તેમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.જોકે ગોલ્ડ મેડલ માટે પાત્રતા ધરાવતા હોય પણ ચોથા વર્ષમાં અભ્યાસ કરીને ઓનર્સ ડિગ્રી મેળવવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓને આ વર્ષે મેડલ નહીં મળે.તેમણે કહ્યું હતું કે, નિર્ણયમાં ફેરફાર બાદ ગોલ્ડ મેડલની સંખ્યા વધશે પણ આ સંખ્યામાં કેટલો વધારો થશે તેની હજી ગણતરી ચાલી રહી છે.

ભાવવધારો નડયો, ૨૫ વર્ષથી જૂના ગોલ્ડ મેડલ બંધ કરાશે
યુનિવર્સિટી સત્તાધીશોએ ૨૫ વર્ષથી જૂના ગોલ્ડ મેડલની હવે બાદબાકી કરવાનો પણ નિર્ણય લીધો છે.યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ગોલ્ડ મેડલ એનાયત કરવા માગતા દાતા પાસે ૨ લાખ રુપિયાનું ડોનેશન લેવાય છે.આ રકમના વ્યાજમાંથી દર વર્ષે ગોલ્ડ મેડલ બનાવીને વિદ્યાર્થીઓને અપાય છે.જોકે ૨૫ વર્ષ પહેલાના ગોલ્ડ મેડલ માટે લેવાતુ ડોનેશન તો બે લાખ રુપિયા કરતા ઘણું ઓછું હતું.બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા વધારાના કારણે હવે સત્તાધીશો પર જૂના ગોલ્ડ મેડલ ચાલુ રાખવાના કારણે આર્થિક બોજો વધી રહ્યો છે.આ વર્ષે જ દરેક ગોલ્ડ મેડલ ૧૧૫૦૦ રુપિયામાં યુનિવર્સિટીને પડશે.સૂત્રોનું કહેવું છે કે, ગોલ્ડ મેડલ પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે હવે ૨૫ વર્ષથી જૂના ગોલ્ડ મેડલ બંધ કરાશે.

સમારોહના દિવસે જ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાશે
પદવીદાન સમારોહની સાથે સાથે સત્તાધીશો દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માન માટે વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમનું પણ આયોજન થતું હોય છે.૧૨ વર્ષથી શરુ થયેલી પરંપરા ડો.વિજય શ્રીવાસ્તવના વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન બંધ થઈ ગઈ હતી.જોકે ગત વર્ષથી વિદ્યાર્થીઓનું વાઈસ ચાન્સેલરના બંગલે સન્માન કરવાનું ફરી શરુ કરાયું છે.જોકે અગાઉ પદવીદાન સમારોહના આગલા દિવસે આ કાર્યક્રમ યોજાતો હતો પણ ગત વર્ષની જેમ જ આ વર્ષે સમારોહના દિવસે સાંજે આ કાર્યક્રમ યોજાશે.રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાના કહેવા પ્રમાણે વાઈસ ચાન્સેલરના બંગલે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે આમંત્રિત કરાશે.

ગોલ્ડ મેડલની શરતો બદલવા દાતાઓનો સંપર્ક કરાયો નથી
કેટલાક ગોલ્ડ મેડલ ચોથા વર્ષના વિદ્યાર્થીઓને આપવાના નિર્ણયથી વિવાદ પણ સર્જાઈ શકે છે.યુનિવર્સિટી સૂત્રોનું કહેવું છે કે, ગોલ્ડ મેડલ ડોનેટ કરતી વખતે તે કયા વર્ષમાં અને કયા પ્રકારની શૈક્ષણિક સિધ્ધિ માટે અપાશે તે ડોનર દ્વારા નક્કી થતું હોય છે.જો ગોલ્ડ મેડલ આપવા માટેની શરતમાં બદલાવ કરવો હોય તો ર્ડોનરને પણ પૂછવું પડે.જોકે સત્તાધીશોએ અત્યાર સુધી ત્રીજા વર્ષમાં અપાતા કેટલાક ગોલ્ડ મેડલ ચોથા વર્ષમાં આપવા માટેનો નિર્ણય તો લીધો છે પણ દાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો નથી.