દીવા તળે અંધારું, ફાયર સેફટીની તપાસ કરતી વડોદરા કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જ આગ ભભુકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire Brigade : વડોદરા શહેરમાં ફાયર સેફટીની તકેદારી લેતી કોર્પોરેશનમાં દીવા સ્થળે અંધારું હોય તેવો ઘાટ જોવા મળે છે, જેના દાખલા રૂપે આજે કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જ આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ બન્યો છે.
ગોત્રી વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની વોર્ડ નંબર 10 ની ઓફિસમાં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ ધુમાડા નીકળતા ઓફિસનો સ્ટાફ તેમજ કામ માટે આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને દોડીને બહાર આવી ગયા હતા.
નજીકમાં જ ફાયર સ્ટેશન હોવાથી તરત જ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સુરક્ષાના કારણોસર બિલ્ડીંગનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેથી હવે કોર્પોરેશન દ્વારા વાયરીંગ સુરક્ષિત કરાશે ત્યારબાદ વીજ કનેક્શન ચાલુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગ, હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડિંગ, હોટલો, મોલ અને શૈક્ષણિક સંકુલો જેવા સ્થળોએ ફાયર સેફટી માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેથી હવે કોર્પોરેશનના બિલ્ડીંગોને પણ તેમાં આવરી લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઇ છે.









