શેરબજારમાં રોકાણના બહાને ડેરીના કર્મચારી સાથે 19.63 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Cyber Fraud : વડોદરાના વાઘોડિયા રોડની ચંદ્રનગર કોલોનમાં રહેતા હર્ષદ સૂર્યવંશીએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે હું કરજણની ખાનગી ડેરીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. ગત 2 મે 2025ના રોજ હું મારા ઘરે ફેસબુક પર વીડિયો જોઈ રહ્યો હતો, ત્યારે મને શેરબજારમાં રોકાણ અંગેની એક જાહેરાત જોવા મળી હતી. તેની લિંક પર ક્લિક કરતાં જ હું એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગયો હતો. આ ગ્રૂપમાં 'મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ'ની આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઓળખ આપતી 'કૃપા ડી' નામની મહિલા અને તેની ટીમે મને શેરબજાર તથા પ્રી-IPO માં રોકાણ કરી ઊંચો નફો કમાવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં મેં રૂ. 1 લાખનું રોકાણ કર્યું, જેની સામે રૂ.1.37 લાખનો નફો બતાવાયો હતો અને તેમાંથી રૂ.1.06 લાખ પરત મળતા મને વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજરે વારંવાર કોલ કરી દબાણ કરતાં મેં 2 મે થી 2 જૂન 2025 દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે કુલ રૂ.20,69,000 નું રોકાણ કર્યું હતું.
વેબ પેજ પર રૂ.2.11 કરોડનો આભાસી નફો બતાવ્યા બાદ જ્યારે મેં રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ વધુ રૂ.43.11 લાખ ભરવાની માગણી કરી હતી અને રકમ ન આપતાં મારું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. મારી સાથે કુલ રૂ.19,63,000 ની છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મેં સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કર્યા બાદ વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




