Baroda

સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના મહેન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ MGVCL કેસમાં GERCના વીજ લોકપાલે મહત્વનો ચુકાદો આપ્યો છે. વીજ કંપનીઓ ગ્રાહકની પૂર્વ મંજૂરી વિના જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે. સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટર ફરી લગાવવાની ગ્રાહકની માંગણી ફગાવી દેવાઈ છે. આ નિર્ણય કાયદાકીય જોગવાઈઓ અને ગ્રાહક અધિકાર નિયમો હેઠળ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલ
AI તસવીર

Lokapal Order About Smart Meter: ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ (Electricity Ombudsman) એ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વીજ વિતરણ કંપનીઓ પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે. આ પ્રક્રિયા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ મેળવવી જરૂરી નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને ગ્રાહક જૂનું પરંપરાગત મીટર ફરી લગાવવાની માંગ કરી શકે નહીં.

શું છે આ સમગ્ર કેસની વિગત

આ નિર્ણય મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL (લાલબાગ ડિવિઝન, વડોદરા) ના કેસમાં અપાયો છે. આ કેસમાં ગ્રાહકનો દાવો હતો કે, અમારી મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવાયું, જેના કારણે બેંકની ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ અને બાદમાં તેમનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો.

આ અંગે MGVCL દ્વારા રજૂઆત કરાઈ હતી કે, સ્માર્ટ મીટરનું સ્થાપન Electricity Act, 2003, CEA Metering Regulations, Electricity (Rights of Consumers) Rules અને GERC Supply Code અંતર્ગત કરાયું છે. એટલું જ નહીં, બેંક ઓટો-ડેબિટની સમસ્યાને મીટરના પ્રકાર સાથે કોઈ લેવા-દેવા નથી.

વીજ લોકપાલે તમામ સ્પષ્ટતા કરીને આપ્યો આદેશ

વીજ લોકપાલે ગ્રાહકની અપીલને ફગાવી દેતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (CGRF)ના નિર્ણયને યથાવત્ રાખ્યો છે અને મહત્ત્વના મુદ્દા સ્પષ્ટ કર્યા છે. જેમ કે,

  • પૂર્વ સંમતિ ફરજિયાત નથી: કાનૂની જોગવાઈઓ હેઠળ સ્માર્ટ મીટર સ્થાપિત કરવું સંપૂર્ણપણે કાયદેસર છે અને તેના માટે ગ્રાહકની મંજૂરી લેવી જરૂરી નથી.
  • પુરાવાનો અભાવ: ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી કે બિલિંગની ગડબડ સાબિત કરી શક્યા નથી.
  • થર્ડ-પાર્ટી ટેસ્ટિંગનો વિકલ્પ: જો ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ બાબતે કોઈ શંકા હોય, તો તેઓ GERC Supply Code મુજબ થર્ડ-પાર્ટી લેબોરેટરીમાં મીટર ટેસ્ટિંગ કરાવી શકે છે. પરંતુ, માત્ર વિરોધના આધારે જૂનું મીટર પાછું લગાવવાની માંગ સ્વીકારી શકાય નહીં.

GERCના વીજ લોકપાલે આપેલો ક્વોસી-જ્યુડિશિયલ આદેશ

આ આદેશ GERCના વીજ લોકપાલ દ્વારા આપેલો કાયદેસરનો ક્વૉસી જ્યુડિશિયલ (Quasi-Judicial) એટલે કે 'અર્ધ-ન્યાયિક' આદેશ છે. કોઈ સરકારી સંસ્થા, ટ્રિબ્યુનલ કે સત્તાધિકારી (જે સત્તાવાર રીતે પરંપરાગત અદાલત કે કોર્ટ નથી) પાસે કાયદાકીય વિવાદો સાંભળવાની, પુરાવા તપાસવાની અને ચુકાદો આપવાની અદાલત જેવી જ સત્તા હોય, ત્યારે તેને 'ક્વોસી-જ્યુડિશિયલ બોડી' કહેવામાં આવે છે. આવી સંસ્થાઓ કાયદાના ચોકઠામાં રહીને સામાન્ય અદાલતોની જેમ જ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરે છે અને બંને પક્ષોને સાંભળ્યા બાદ આદેશ આપે કરે છે. GERC વીજ લોકપાલ, ગ્રાહક ફોરમ, ટેક્સ ટ્રિબ્યુનલ વગેરે અર્ધ-ન્યાયિક સંસ્થાઓ છે, જેમના દ્વારા આપેલા આદેશ કાનૂની રીતે બંધનકર્તા હોય છે.