Baroda

હોસ્પિટલ સંચાલક સતીષ હિંગુના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સ્નેહ હોસ્પિટલના સંચાલક સતીષ હિંગુની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. દર્દીઓના બોગસ બિલો બનાવી વીમા કંપનીઓ સાથે રૂ.12.83 લાખની ઠગાઈનો આરોપ છે. જે.પી. રોડ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. કોર્ટે નોંધ્યું કે આરોપીએ ગુનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોસ્પિટલ સંચાલક સતીષ હિંગુના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

દર્દીઓના બોગસ બિલો બનાવી વીમા કંપનીઓ સાથે રૃા.૧૨.૮૩ લાખની ઠગાઈ મામલે જે.પી.રોડ પોલીસ સ્ટેશને નોંધાયેલા ગુનામાં હોસ્પિટલ સંચાલકની આગોતરા જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

સરકાર તરફે ધારાશાસ્ત્રી એપીપી પી.સી. પટેલની દલીલો હતી કે અરજદાર/આરોપી સતીષ મહેન્દ્ર હિંગુ (રહે.ગુરૃનગર સોસાયટી,વરાછા રોડ,સુરત) તથા અન્ય સહ આરોપીઓએ પોતાની સ્નેહ મલ્ટી સ્પેશ્યાલિટિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ,વડોદરાના મેનેજમેન્ટકર્તાઓએ મેડીક્લેમની રકમ પાસ કરાવવા નવ દર્દીઓની સારવારના બોગસ બિલો બનાવી વીમા કંપનીઓ પાસેથી કુલ રૃા.૧૨,૮૩,૨૬૫ની ચિટિંગનો પ્રયાસ કર્યો છે.  હોસ્પિટલના કોમ્પ્યુટર, મોબાઈલફોન, ડિજિટલ સાધનોની તપાસ બાકી છે.

કોર્ટે નોંધ્યું કે પોલીસ તપાસના કાગળો જોતા અરજદાર/આરોપીએ આ ગુનામાં મહત્ત્વનો ભાગ ભજવી અને તબીબને ગુનામાં સમર્થન કરી, સહાય માટે દબાણ કર્યાનું સ્પષ્ટ જણાય છે. આરોપી અને સહ આરોપી પ્રતીક ખૂંટ દર્દીઓની બીમારીની માહિતી લખી આપતા હોવાનું જણાય છે. તપાસ શરૃઆતના તબક્કામાં હોઈ આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની જરૃરિયાત મહત્ત્વની બને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ ૧૫ મેના રોજ તાંદળજા-સનફાર્મા રોડ પર ફોર્ચ્યુન કોમ્પ્લેક્સમાં શરૃ થયેલી  સ્નેહ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ પરપ્રાંતીય દર્દીની ફાઇલો શંકાસ્પદ જણાતા વીમાં કંપનીની ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો.