વેરો વસૂલવામાં કોર્પોરેશન આગળ પ્રાથમિક સુવિધા આપવામાં પાછળ !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોર્ડ નંબર-૧૨માં આવેલા બિલ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને આજે રહીશોનો મોરચો મ્યુનિ.કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો.
રહીશો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મ્યુનિ. કમિશ્નર સહિત રોડ-રસ્તા, પાણી અને ડ્રેનેજ વિભાગના સંબંધિત અધિકારીઓ હાજર ન મળતાં રહીશોમાં નારાજગી જોવા મળી હતી. રહીશોનું કહેવું છે કે બિલ વિસ્તારનો કાર્પોેરેશનની હદમાં સમાવેશ થયાને સાત વર્ષનો સમય વીતી ગયો છે છતાં રોયલ ક્રિસ્ટ, રોયલ પાર્ક, શ્રીનાથ ડુપ્લેક્સ સહિતની અનેક સોસાયટીઓમાં સારા રસ્તા નથી. પાણી, સફાઈ અને ડ્રેનેજની સમસ્યાઓ યથાવત છે.
વધુમાં ઉમેર્યું કે વોર્ડ કચેરીના ધક્કા ખાઈને પણ સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. બીજી તરફ કોર્પોરેશન દ્વારા સમયસર વેરો વસૂલવામાં આવે છે, પરંતુ વેરો ભર્યા બાદ પણ પ્રાથમિક સુવિધા મેળવવા માટે રહીશોએ કચેરીઓના ધક્કા ખાવા પડે છે. સત્તાધીશો શહેરને સ્વચ્છ બનાવવાની વાતો કરે છે, પરંતુ બિલ વિસ્તારની સ્થિતિ જોવામાં આવે તો આ વિસ્તાર સ્વચ્છતાની બાબતમાં ટોપ-૧૦ તો દૂર, ટોપ-૧૦૦૦માં પણ આવે તેમ નથી, એવો આક્ષેપ રહીશોએ કર્યો છે.
કોર્પોરેશન વસૂલવામાં આવેલો વેરો પરત આપે અને ભવિષ્યમાં પણ આ વિસ્તારના રહીશો પાસેથી વેરો વસૂલવાનું બંધ કરવામાં આવે તેવી રજૂઆત રહીશોએ કરી છે.




