વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર મતદાન વચ્ચે કોંગ્રેસ-ભાજપ સામ-સામે, આચારસંહિતા ભંગનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Manjalpur By-Election: વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે (30મી જુલાઈ) મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતેન્દ્ર (સતીશ) પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર છે. પરંતુ મતદાનની વચ્ચે જ આચારસંહિતાના ભંગના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં રાજકીય માહોલ ગરમાયો છે.
ભાજપ પર ઢોલ-નગારા સાથે પ્રચારનો આરોપ
મતદાન દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો ઢોલ-નગારાના તાલે તેમજ પક્ષના ચિહ્નવાળા ખેસ પહેરીને મતદારોને અપીલ કરતા નજરે પડે છે. કોંગ્રેસનો આરોપ છે કે મતદાનના દિવસે પક્ષના પ્રતીકો સાથે પ્રચાર કરવો અને મતદારોને પ્રભાવિત કરવા એ ચૂંટણી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ મામલે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓ સમક્ષ વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
કોંગ્રેસના કાર્યકરો સામે પણ આચારસંહિતા ભંગનો આક્ષેપ, ઉગ્ર બોલાચાલી
બીજી તરફ, કોંગ્રેસના કાર્યકરો સામે પણ આચારસંહિતા ભંગના આક્ષેપો ઊઠ્યા છે. વોર્ડ નંબર 16ના એક મતદાન મથક પર કોંગ્રેસના કાર્યકરો પક્ષના ચિહ્નવાળા ખેસ પહેરીને હાજર હોવાનું સામે આવ્યું હતું. ભાજપના કાર્યકરોએ આ સામે ભારે વિરોધ નોંધાવતાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે મતદાન મથક બહાર જ ઉગ્ર બોલાચાલી અને તું-તું મેં-મેં થઈ હતી.
કોંગ્રેસના કાર્યકરોએ બચાવ કરતા જણાવ્યું હતું કે, 'ભાજપના લોકો ઢોલ-નગારા સાથે પ્રચાર કરે છે તે તંત્રને દેખાતું નથી અને માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે.' પેટા ચૂંટણી દરમિયાન બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ ચાલુ રહેતાં સમગ્ર માંજલપુર પંથકમાં ભારે રાજકીય ચર્ચા જાગી છે.









