વડોદરામાં બેંક કર્મચારીઓની હડતાળથી ક્લિયરિંગની કામગીરી ઠપ્પ : કરોડોના વ્યવહારો અટક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bank Strike : કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારી સંગઠનો દ્વારા આજે એક દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે વડોદરા શહેરમાં જાહેર ક્ષેત્રની બેન્કોની આશરે 800 શાખાઓમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. બેન્કો બંધ રહેતાં કરોડો રૂપિયાના ક્લિયરિંગ સહિતના વ્યવહારોને અસર પહોંચી હતી.
જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. વડોદરા એકમના આગેવાનોના જણાવ્યા મુજબ શહેર અને આસપાસના વિસ્તારમાં આશરે 8,000 કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે. જ્યારે સમગ્ર દેશમાં આશરે આઠ લાખ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બેન્ક કર્મચારી સંગઠનો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ અને શનિવાર-રવિવારની રજા આપવાની મુખ્ય માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂની પેન્શન યોજના લાગુ કરવી, ગ્રેજ્યુઈટીની મર્યાદામાં સુધારો કરવો અને પેન્શન સુધારણા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે.
સરકાર સાથે માંગણીઓ અંગેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વડોદરા એકમના કર્મચારીઓએ પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કર્મચારી સંગઠનના આગેવાનોએ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા માંગણીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપવામાં નહીં આવે તો આગામી તબક્કામાં વધુ ત્રણ દિવસની હડતાળ કરવામાં આવશે. જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાળ પણ કરવામાં આવશે. હડતાળને કારણે આજે બેન્કિંગ વ્યવહાર ખોરવાતા ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




