95 વર્ષીય વૃદ્ધના કેરટેકરે બોગસ સહી કરી 1.20 લાખ ઉપાડી લીધા, પુત્રની સતર્કતાથી 22 લાખ બચી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા એક 95 વર્ષીય સિનિયર સિટીઝનને કેરટેકરનો વરવો અનુભવ થયો છે. પોલીસે રૂપિયા ઉપાડી ફરાર થઈ ગયેલા કેરટેકરની તપાસ હાથ ધરી છે.
દિવાળીપુરા વિસ્તારના કિર્તીધામ બંગલોઝ ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટનું કામ કરતા જાગૃતભાઈ વોરાએ પોલીસને કહ્યું છે કે મારા 95 વર્ષીય પિતા માટે ઇલોરાપાર્કના કલ્પવૃક્ષ નજીક ઓફિસ ધરાવતા મયુર કેરના સંચાલક અજીત રમેશભાઈ પરમારને કેરટેકર માટે વાત કરતા તેમણે તા 27મી ફેબ્રુઆરીથી અનિલ અંબાલાલ મકવાણા(ગુરુકૃપા સોસાયટી, ખંભાત, આણંદ) ને અમારે ત્યાં મોકલ્યા હતા.
કેર ટેકરનો પગાર અમે ઓનલાઈન અજીતભાઈને મોકલતા હતા અને કેરટેકરને ઉપાડની જરૂર હોય તો અજીતભાઈ સાથે વાત કરી તે મુજબની રકમ આપવાની કાર્યવાહી કરતા હતા.
જાગૃતભાઈએ કહ્યું છે કે મારા પિતા કોર્ટમાં ઉચ્ચ હોદ્દા પર હતા અને તેમનું પેન્શન બેંકમાં જમા થતું હોય છે. તેમના બધા ડોક્યુમેન્ટ તેમની રૂમમાં રહેતા હોવાથી અનિલ મકવાણાને આ બાબતની જાણકારી હતી. ગઈ તા.21 મેએ અનિલ રજા પર ગયો હતો. ત્યારબાદ અમને પૈસાની જરૂર પડતા એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડવા જતા બેલેન્સ ઓછું દેખાયું હતું. જેથી તપાસ કરતા તા.22મી એ મારા પિતાના બેંક ખાતામાંથી તેમના નામની સહી કરીને 1.20 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
અમે કસ્ટમર કેર મારફતે તપાસ કરતા ખંભાતની આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી આ રકમ ઉપાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તા બીજી જૂને બેંકમાં જઈ જાણ કરતા આ ચેક પર ખોટી સહી કરીને રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તા પાંચમી જૂને ફરીથી 22 લાખ ઉપાડવા માટે ચેક જમા થતા બેંક દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. પરંતુ અમે સ્ટોપ પેમેન્ટ કરાવી દેતા આ રકમ બચી ગઈ હતી.
અકોટા પોલીસે આ બાબતે કેરટેકર અનિલ મકવાણા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.









