અટલાદરામાં વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી બાઇક સવાર ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અટલાદરા વિસ્તારમાં ગઇકાલે સાંજે ચાલતા જતા વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક પર આવેલા બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે અટલાદરા પોલીસે વદુ તપાસ હાથ ધરી છે.
અટલાદરા વૃંદાવન સોસાયટીની સામે પ્રમુખ આનંદ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના મધુબેન હીરાભાઇ પરમાર ગઇકાલે સાંજે છ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી નજીકમાં વ્રજધામ સોસાયટીમાં રહેતા ઓળખીતા રતનબેનને મળવા માટે ગયા હતા. ત્યાંથી ચાલતા તેઓ પરત ઘરે જતા હતા. તે દરમિયાન સાંજે સવા સાત વાગ્યે પાછળથી એક આરોપી અચાનક આવ્યો હતો. તેણે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ૧૩.૧૩૦ ગ્રામનો અછોડો આંચકીને તોડી લીધો હતો. ત્યારબાદ આરોપી થોડે દૂર બાઇક લઇને ઊભેલા સાગરીતની બાઇકની પાછળ બેસી ગયો હતો. ત્યારબાદ બંને આરોપીઓ બાઇક લઇને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ અછોડો તોડીને ભાગી ગયા હતા પરંતુ, પેન્ડલ ત્યંા જ પડી ગયું હતું. અટલાદરા પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ રીતે જ ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ આજવારોડ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના જશીબેનના ગળામાંથી અછોડો તૂટયો હતો. અછોડો તોડીને આરોપી થોડે દૂર ઊભેલા સાગરીતની બાઇકની પાછળ બેસીને ભાગી ગયો હતો. જે અંગે છ દિવસ પહેલા ગુનો દાખલ થયો હતો.




