દશરથ ગામની આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં, 6 વખત સરનામું બદલાયું : હવે ખાલી કરવા નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : એક તરફ સરકાર સ્માર્ટ સ્કૂલ અને આધુનિક શિક્ષણની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ દશરથ જેવા મોટા ગામમાં નાના ભૂલકાઓ માટેની આંગણવાડી પાસે છેલ્લા દસ વર્ષથી પોતાનું મકાન જ નથી. દશરથ ગામની નંબર-9 આંગણવાડી વર્ષ 2016થી ભાડાના મકાનમાં ચાલી રહી છે. હવે જે મકાનમાં આંગણવાડી ચાલી રહી છે તે ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા બાળકો માટેની વ્યવસ્થા ફરીથી અસ્થિર બનવાની સ્થિતિ ઊભી થઈ છે.
દશરથ ગામની વસ્તી આશરે 15 હજાર છે, તેમ છતાં આટલી મોટી વસ્તી ધરાવતા ગામમાં આંગણવાડી માટે યોગ્ય અને કાયમી મકાનની વ્યવસ્થા થઈ શકી નથી. છેલ્લા 10 વર્ષ દરમિયાન આંગણવાડીનું સરનામું છ વખત બદલાઈ ચૂક્યું છે. એટલે કે આંગણવાડીમાં ભણતા બાળકોને એક જગ્યાએ સ્થિર વાતાવરણ મળવાને બદલે વારંવાર સ્થળાંતરનો સામનો કરવો પડ્યો છે.
સ્થાનિકો અને સંચાલકો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ આંગણવાડી માટે કાયમી મકાનની રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી યોગ્ય જગ્યા કે કાયમી મકાનની વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે બાળકો માટે બાલમંદિર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી જગ્યા શોધવાની પણ મુશ્કેલી ઊભી થઈ છે.
હાલ આંગણવાડીમાં આશરે 20 બાળકો આવે છે. આટલા નાના બાળકો માટે પણ છેલ્લા એક દાયકાથી કાયમી મકાનની વ્યવસ્થા નહીં થઈ શકવી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી માટે દર મહિને આશરે રૂ.2,000 ભાડું અને રૂ.500 લાઇટ બિલ ચૂકવવામાં આવે છે. અગાઉ ટ્રસ્ટનું મકાન ઉપલબ્ધ હતું, પરંતુ મકાન જર્જરિત થયા બાદ આંગણવાડી માટે કાયમી સરનામું જ રહ્યું નથી.
એક તરફ સરકારી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ દશરથ ગામના બાળકો માટે છેલ્લા 10 વર્ષથી એક આંગણવાડીનું મકાન પણ ઉપલબ્ધ ન કરાવી શકાય તે તંત્રની પ્રાથમિકતાઓ સામે સવાલ ઉભો કરે છે.









