Baroda

મારામારી, બોલાચાલી અને આચાર સંહિતા ભંગની ફરિયાદો વચ્ચે માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ખૂબ જ નિરસ ૩૭.૫૦ ટકા મતદાન

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આજે મારામારી અને આચારસંહિતા ભંગની ફરિયાદો વચ્ચે સંપન્ન થઈ. દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર કુલ 37.50% મતદાન નોંધાયું. ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારીનું ભાવિ EVMમાં કેદ થયું છે. સોમવારે મતગણતરી હાથ ધરાશે. છેલ્લા 3 ચૂંટણીથી મતદાન સતત ઘટી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મારામારી, બોલાચાલી અને આચાર સંહિતા ભંગની ફરિયાદો વચ્ચે માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ખૂબ જ  નિરસ ૩૭.૫૦ ટકા મતદાન

વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આજે કેટલાક સ્થળે મારામારી તેમજ ઉગ્ર બોલાચાલી અને આચાર સંહિતાના ભંગની ફરિયાદો વચ્ચે પૂર્ણ થઇ છે. સાંજે ૫ વાગ્યા સુધી માત્ર ૩૪ ટકા મતદાન બાદ ૬ વાગ્યા સુધીમાં કુલ ૩૭.૫૦ ટકા વોટિંગ નોંધાયું છે.
વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધનના પગલે ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આજે યોજાઇ હતી. વિધાનસભા બેઠકના કુલ ૨૬૦ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૃ થયું હતું. સવારે ૭થી ૯ વાગ્યા સુધી માત્ર ૬.૦૬ ટકા અને ૧૧ વાગ્યા સુધી માંડ ૧૪ ટકા મતદાન થતાં વધારે વોટિંગ થાય તે માટે રાજકીય પક્ષોના કાર્યકરો બહાર નીકળતા અથડામણના દ્રશ્યો સર્જાયા હતાં.
પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના માત્ર બે ઉમેદવારો વચ્ચે જ જંગ હોવાથી બંને પક્ષના કાર્યકરોએ ચૂંટણીમાં વિજય મેળવવા અને વધુ મતદાન થાય તે માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે બપોરે ૩ વાગ્યા સુધી ૨૮ ટકા અને સાંજે ૫ વાગે ૩૪ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ૬ વાગ્યા સુધી ૩૭.૫૦ ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણી વિસ્તારમાં પોલીસ તેમજ પેરામિલીટ્રી ફોર્સની ટીમો ગોઠવી દેવામાં આવી હતી. તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા મતદાન વધારવા માટે અનેક પ્રયાસો છતાં પણ વોટિંગ વધ્યું ન હતું. મતદાન દરમિયાન ૧૩૮ નંબરના બૂથ પર એક ઇવીએમ તેમજ મતદાન પહેલા અન્ય બૂથ પર વીવીપેટ ખોટકાયા બાદ તેને રિપ્લેસ કરી દેવાયા હતાં. આજે ભાજપના સતીષ પટેલ તેમજ કોંગ્રેસના ભીખાભાઇ રબારીના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા હતાં. મતદાન બાદ મોડી સાંજ સુધી ઇવીએમ તેમજ વીવીપેટ ભવન્સ સ્કૂલ ખાતેના રિસિવિંગ સેન્ટર ખાતે ખસેડવાની કામગીરી ચાલી હતી. હવે સોમવારે મતગણતરી હાથ ધરાશે.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં સતત ઘટતું મતદાન

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં મતદાન સતત ઘટી રહ્યું છે. વર્ષ-૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ૬૮.૯૯ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે વર્ષ-૨૦૨૨માં ૫૯.૫૪ ટકા મતદાન થયું હતું. ત્યારબાદ આ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણીમાં માંડ ૩૭.૫૦ ટકા મતદાન નોંધાયું છે.